- અગ્રણી ઉદ્યોગપતિ જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન બોટલ પૂરી પાડી રહ્યા છે
- આર્મી જવાનના પરિવારજનોને ઓક્સિજન ઘર સુધી પહોચાડવાની જવાબદારી ઉઠાવી
- યુવાને જરૂરિયાતમંદ દર્દીઓને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી
મોરબીઃ જિલ્લામાં એક અગ્રણી ઉદ્યોગપતિ ટી. ડી. પટેલને ઓક્સિજનની ફેક્ટરી છે. તેઓ ગત વર્ષે કોરોનાથી સંક્રમીત થયા હતા, ત્યારે તેમને 14 દિવસમાંથી 12 દિવસ ઓક્સિજન પર રહેવું પડ્યું હતું. હાલ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે અને તમામ હોસ્પિટલોમાં બેડની સાથે સાથે ઓક્સિજન પણ ખૂટી પડ્યો છે. જેથી આ ઉદ્યોગપતિએ પોતાની ફેકટરીમાં ઉત્પાદન થતો તમામ ઓક્સિજન જરૂરિયાતમંદ દર્દીની સેવામાં આપ્યો છે. છેલ્લા 8 દિવસથી તેઓ જરૂરિયાત મંદ દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડી છે. આ ઉપરાંત ખાસ બોર્ડર પર દેશની સેવા કાજે તૈનાત આર્મી જવાનના પરિવારને ઓક્સિજન તેમના ઘર સુધી પહોચાડવાનો નિર્ધાર કર્યો છે અને મોરબીના 50 કિ.મી વિસ્તારમાં તેઓ ઓક્સિજન પૂરો પાડશે તેમ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું
દર્દીઓને હોસ્પિટલ પહોચાડવા માટે નીઃશુલ્ક આપે છે એમ્બ્યુલન્સ સેવા
મોરબીમાં રહેતા હિતેશ રામાવત અને કેતન રામાવતના પિતાને ડાયાલીસીસની બીમારી હતી અને તેઓને હોસ્પિટલ લઈ જવા માટે ઘણી બધી મુશ્કેલી પડી હતી. આ દરમિયાન તેઓ હોસ્પિટલમાં ગયા ત્યારે દર્દીઓની મુશ્કેલી જોઈને તેઓએ ગાડી લઈને તે ગાડીને એમ્બ્યુલન્સમાં ફેરવી હતી અને જરૂરિયાત મંદોની મદદ કરી રહ્યા છે. તેઓ 5 જેટલી એમ્બ્યુલન્સ જરૂરિયાત મંદ દર્દીઓને ફીમાં આપી રહ્યા છે. અત્યાર સુધીમાં મોરબીના દર્દીઓને ભુજ-જામનગર સહિતના જિલ્લાઓમાં પહોચાડીને સેવા આપી રહ્યા છે. તેઓએ કોરોના મહામારી જ્યાં સુધી ચાલુ રહશે ત્યાં સુધી નિઃશુલ્ક સેવાયજ્ઞ શરુ રાખવાનો નિર્ધાર કર્યો છે.
આ પણ વાંચોઃ દર્દી 3 કલાક સુધી એમ્બ્યુલન્સમાં કણસતો રહ્યો, ડોક્ટર તો ન આવ્યા પણ મોત આવી ગયું