પાલનપુરઃ તાલુકાના મડાણા ખાતે બુધવારે રાત્રે મડાણા ખાતે લઘુમતી સમાજના બે જૂથો પૈકી અનવરખાન દરીયાખાન સિંન્ધી પોતાના ઘરે હતા, ત્યારે મડાણા ખાતે આવેલી મસ્જિદ પાસે હોબાળો થતો સાંભળીને તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં સામાપક્ષે યુસુફ મીરમહંમદ કાછેલા સહિત 11 જેટલા લોકો પોતાના હાથમાં તિક્ષ્ણ હથીયારો લઈને ઉભેલા હતા અને અપશબ્દો બોલતા હતા, ત્યારે તેમને સમજાવવા જતાં આ તમામ લોકોએ ઉશ્કેરાઈ જઈને તલવાર, ધારીયા, ધોકા તેમજ પથ્થરમારો કર્યો હતો. જેમાં 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મડાણા ખાતે બુધવારે લઘુમતી સમાજના બે જૂથ વચ્ચે થઈ અથડામણ
- કુલ આઠ લોકોને થઈ ગંભીર ઈજા અને ગાડીને થયું નુકસાન
- પોલીસે બંને પક્ષના 21 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
તો બીજી તરફ, યુસુફ મીરમહંમદ કાછેલાએ પોલીસને જણાવ્યું હતું કે, મસ્જીદ નજીક ઝઘડો હોવાની જાણ થતાં તેઓ ત્યાં ગયા હતા, ત્યારે અનવરખાન દરિયાખાન સિંધી સહિત 10 જેટલા લોકો પેતાના હાથમાં હથિયારો લઈને ઝઘડો કરતાં હતા. મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરતા તે લોકોએ ઉશ્કેરાઈને મારામારી શરૂ કરી દીધી હતી અને પથ્થરમારો કર્યો હતો. જેમાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
આમ, સામસામે પથ્થરમારો અને હથિયારોથી હુમલો કરાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં ગઢ પોલીસના PSI એસ. એ. ચૌધરી સહિતનો સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતી પર કાબૂ મેળવ્યો હતો અને બંન્ને પક્ષના 21 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.