પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલા કંકાવટી રોડ પરના ગંગામૈયા આશ્રમમાં રાત્રે એક વાગ્યાની આસપાસ ત્રણ બુકાનીધારીઓ ત્રાટક્યા હતા. આશ્રમના મહંત સુદર્શનબાપુ જાગી જતા લૂટારૂઓએ તિજોરીની ચાવીની માગ કરી હતી. પરંતુ મહંતે ચાવી ન આપવા તેને ઢોર માર માર્યો હતો. તેમજ આશ્રમના સેવક લક્ષ્મણબાપુને માર મારી લૂટારુંઓએ તીજોરીમાંથી ૬૦ હજાર રોકડની લૂટ ચલાવી ફરાર થયા હતા.
ઘટનાની જાણ થતા હળવદ PSI પી.જી. પનારા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ બનાવ અંગે આશ્રમના સેવક લક્ષ્મણભાઈ ઉર્ફે રૂપાભાઇ ધરમશીભાઈ ભારતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તારીખ 27ના રાત્રીના એક વાગ્યાના સુમારે ત્રણ અજાણ્યા શખ્શો આશ્રમમાં આવીને ફરિયાદી પર મરચાની ભૂકી નાખી હોલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તેમજ મંદિરના મહંત સુદર્શનબાપુને ધોકો મારી તિજોરીમાં રહેલા 60 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી નાસી ગયા છે. આ અંગે હળવદ પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.જી પનારા ચલાવી રહ્યા છે.