મોરબી: ખેડામાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીધા બાદ 6 લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈને અન્ય જિલ્લાની પોલીસ પણ સાવધાન બની છે. ત્યારે મોરબીમાં પોલીસે બે સ્થળે દરોડા પાડી કરીયાણા-પાનની દુકાનમાંથી 200 બોટલ શિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
કરિયાણાની દુકાનમાંથી શંકાસ્પદ આયુર્વેદિક સિરપની 80 બોટલ ઝડપાઈ:
મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પીપળી રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્ષમાં શિવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપના જથ્થાનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. શિવ કિરાણા સ્ટોરમાંથી શંકાસ્પદ આયુર્વેદિક સિરપની 80 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપ વેચનાર મહેશ દાનજીભાઈ ચૌહાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. પી.એ. દેકવાડીયા જણાવ્યું હતું કે બાતમી મળતા ત્યાં ટીમે દરોડો પાડ્યો હતો અને બીજી કોઈ દુકાન શંકાસ્પદ આયુર્વેદિક સિરપના જથ્થો વેચાતો હશે તે પણ જપ્ત કરી લેબોરેટરી માટે મોકલવામાં આવશે.
પાનની દુકાનમાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપની 120 બોટલ મળી આવી:
જ્યારે બીજી રેડ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કરી હતી. મોરબી સિટી એ ડિવીઝન પોલીસ ટીમને પેટ્રોલિંગમાં દરમિયાન ભક્તિનગર સર્કલ એસ્સાર પંપ સામે આવેલ મુરલીધર પાનની દુકાનમાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપનો જથ્થો વેચાતો હોવાની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં મુરલીધર પાનની દુકાનમાંથી શંકાસ્પદ આયુર્વેદિક સિરપના જથ્થાની 120 બોટલ મળી આવી હતી. પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપનું વેચાણ કરનાર કુલદીપ ડાંગર અને મોકલનાર હિતેષભાઈ રાવલનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપનો મુદ્દામાલ કબજે લઈને FSL રિપોર્ટ માટે મોકલી આપ્યો છે. FSL રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે તેવું એ ડિવિઝન પી.આઈ. એચ.એ.જાડેજા જણાવ્યું હતું.