મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો(Gujarat Assembly Elections) રંગ ધીમે ધીમે જામી રહ્યો છે. 1 નવેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા(Candidates Form Filling Process) શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂૂંટણીના પ્રચાર-પ્રસારની તૈયારીઓમાં લાગી ગયા છે. અર્બુદા સેનાના વિપુલ ચૌધરી મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી( Visnagar Assembly election) ચૂંટણી લડશે. આ અંગે અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ જાહેરાત કરી હતી.
ઉત્તર ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર: મહેસાણા ઉત્તર ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર માનવામાં આવે છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વિસનગરના ધારાસભ્ય છે. ત્યારે અર્બુદા સેનાના વિપુલ ચૌધરી મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે. વિપુલ ચૌધરી AAP પક્ષમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. જો કે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. વિસનગરમાં મોટે ભાગે પાટીદાર ઉમેદવારની જીત થતી હોય છે. જો કે, ઠાકોર અને ચૌધરી મતો પણ નિર્ણાયક માનવામાં આવે છે. ચૂંટણીમાં ઠાકોર અને ચૌધરી મતો પર જે ઉમેદવાર પ્રભુત્વ ધરાવતો હોય તેની જીતવાની સંભાવના વધી જાય છે.
રાજકીય સમીકરણો: મહેસાણા જિલ્લાની મોટા ભાગની વિધાનસભા સીટ પર પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. મહેસાણા જિલ્લામાં સાત વિધાનસભા બેઠકોમાં ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, મહેસાણા, વિજાપુર અને કડી વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. 1995થી લઇને 2017 સુધી વિસનગર સીટ પર ભાજપનો વિજય થયો છે. 1995માં કીરીટ પટેલ ધારાસભ્ય બન્યા હતા. 1998 અને 2002માં પ્રહલાદ પટેલ ધારાસભ્ય બન્યા હતા. 2007, 2012, 2017માં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વિજેતા બન્યા હતા. વિસનગર બેઠક છેલ્લા 27 વર્ષથી ભાજપ પાસે છે. હાલ મહેસાણા જિલ્લામાં 6 વિધાનસભા સીટ ભાજપના કબજામાં છે. ત્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિપુલ ચૌધરી કેટલા સફળ રહે છે તે જોવું રહ્યું.