મહેસાણા: ઊંઝા શહેર અને તાલુકો વેપારીઓ અને ખેડૂતો સાથે વિદ્યાર્થીઓના રોજિંદા વ્યવહારથી ધસમસતો વિસ્તાર છે. જો કે, હાલમાં કોરોના વાઇરસની મહામારીથી તમામ લોકો ચિંતિત બન્યા છે, ત્યારે એશિયામાં પ્રથમ ગણાતી અને રોજનું 60 કરોડનું ટર્નઓવર કરતી ઊંઝા APMC આગામી 23 માર્ચથી 2 એપ્રિલ સુધી સદંતર બંધ રાખવા ચેરમેન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત APMC દ્વારા આયુર્વેદિક ગણાતા કપૂર સહિતની આરોગ્ય માટે ઉપયોગો પ્રોડક્ટની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઊંઝા વિધાનસભા મતવિસ્તારની જવાબદારી સાંભળતા ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પણ સરકારના આદેશથી એક જનપ્રતિનિધિ તરીકે ઊંઝા સિવિલ હોસ્પિટલમાં રૂબરૂ મુલાકાત કરી હોસ્પિટલમાં કોરોના વાઇરસ સામે તંત્ર કેટલું સજાગ છે, તે હકીકત ચકાસણી કરી હતી.
આ સાથે મુલાકાત દરમિયાન દુબઇથી આવેલા 15 જેટલા વ્યક્તિઓ હોસ્પિટલ તંત્રના અન્ડર ઓબ્ઝર્વેશનમાં હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઊંઝા સિવિલ હોસ્પિટલના તબીબે પણ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી શંકાસ્પદ બીમારી ધરાવતા દર્દીઓને ખાસ સારવાર હેઠળ રાખવામાં આવતા હોવાની વ્યવસ્થાઓ અંગે જાણકારી આપી હતી.