- વિસનગર લીંક રોડ પર આવેલી સોસાયટીઓમાં તસ્કરો ત્રાટક્યા
- કૃણાલ હોપટાઉન, સન બંગલોઝ, નારાયણ રેસિડેન્સી અને પ્રમુખવીલા સોસાયટીમાં તસ્કરોનો તરખાટ
- મહેસાણામાં એક સાથે ચાર સોસાયટીમાં ચોરી
મહેસાણાઃ શહેરમાં ચોરીના બનાવોમાં વધારો થયો છે. એક જ રાતમાં એક સાથે ચાર સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મહેસાણામાં તસ્કરોએ એક રાતમાં ચાર સોસાયટીઓને નિશાન બનાવી
મહેસાણા શહેરની કૃણાલ હોપટાઉન, સન બંગ્લોઝ, નારાયણ રેસીડેન્સી અને પ્રમુખવીલા સોસાયટીમાં શુક્રવારે એક જ રાતમાં તસ્કરો 5 મકાનોનાં તાળા તોડી રોકડ અને દાગીના મળી કુલ રૂપિયા 2.26 લાખની મત્તા ચોરી ગયા હતા. જ્યારે એક મકાનમાં તાળું તોડવાનો પ્રયાસ થયો હતો. એ ડિવિઝન પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
નજીકમાં પિતાના ઘરે રાત્રી રોકાણ કરનારી મહિલાના ઘરમાંથી દાગીના, રોકડની ચોરી
મહેસાણાના માનવ આશ્રમ વિસનગર લીંક રોડ પર આવેલી કૃણાલ હોપટાઉનમાં રહેતાં અમિતાબેન ચૌધરીના પતિ શુક્રવારે રાજસ્થાન રણુંજા દર્શને ગયેલા હોવાથી તે સાંજે નજીકમાં રહેતા પિતાના ઘરે ગઇ હતી. પડોશીએ મકાનનું તાળું તૂટ્યાની જાણ કરતાં તેમણે ઘરે જઇ તપાસ કરતાં રોકડ રૂપિયા 50 હજાર અને સોનાનો પેંડલવાળો દોરો મળી રૂપિયા 75 હજારની મત્તા ચોરાઇ હોવાનું સામે પડ્યું હતું. તેમની પડોશમાં રહેતા અશ્વિનભાઇ સુર્યકાન્તભાઇ ઠાકરના મકાનનું તાળું તોડી તસ્કરો રોકડ રૂપિયા 4 હજાર ચોરી ગયા હતા.
સન બંગલોઝ, પ્રમુખવીલા અને નારાયણ રેસિડેન્સીમાં પણ ચોરી.!
જે બાદ તસ્કરોએ સન બંગ્લોઝમાં રહેતા જીપીનભાઇ બબાભાઇ ચૌધરી કે જેઓ સામાજિક કામે વતન બાસણા ગયા હતા, ત્યારે બંધ મકાનનું તાળું તોડી રોકડ રૂપિયા 1 લાખ અને એટીએમ ચોરી ગયા હતા. જ્યારે બાજૂની નારાયણ રેસીડેન્સીમાં ફુલજીભાઇ રાસંગભાઇ ચૌધરી સામાજિક પ્રસંગે મગરોડા ગયેલા હોવાથી તસ્કરો તેમના મકાનમાંથી રૂપિયા 5 હજાર અને પ્રમુખવીલા સોસાયટીમાં રહેતા જીવરામભાઇ ગણેશભાઇ ચૌધરીના મકાનમાંથી રોકડ રૂપિયા 4 હજાર ચોરી ગયા હતા. બીજા એક મકાનનું તાળું તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. એ ડિવિઝન પોલીસે અમિતાબેન ચૌધરીની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.