મહેસાણાઃ કોરોના વાઇરસની મહામારી સમયે લોકડાઉન લાગુ થયું હતું. જેને પગલે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યાં હતાં. જોકે સરકારે નિયમો અને સૂચનોના પાલન સાથે તબક્કાવાર અનલોકની જાહેરાત કરતાં હવે છેલ્લાં 7 માસથી બંધ રહેલા નેચરલ પાર્ક અને મનોરંજન સ્થળો ખુલી રહ્યાં છે.
મહેસાણા જિલ્લામાં આવેલા ભારતના એકમાત્ર મેન મેડ જંગલમાં આવેલા ઋષિવનની કે જ્યાં 300 હેકર જમીનમાં આ માનવ સર્જિત ભારતનો એક માત્ર જંગલ વિસ્તાર આવેલો છે. સાથે જ અહીં આવતા પર્યટકોને મનોરંજન માટે વિવિધ રાઈડ્સ અને કુદરતી માહોલ મળી રહે છે. ત્યારે છેલ્લાં 7 માસથી બંધ રહેલા પાર્કમાં અંદાજે 7 કરોડ જેટલું નુકસાન થયું છે.
હવે સરકારે મનોરંજન અને નેચરલ પાર્ક ખોલવાનું આયોજન કરતાં આ પાર્કના સંચાલક એવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ દ્વારા પોતાના કર્મીઓ સાથે મિટિંગ કરી સરકારની ગાઈડ લાઇન સમજાવી હતી. દરેક પર્યટક સુરક્ષિત રીતે મુલાકાત કરે અને સ્વસ્થ રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યાં છે તો પાર્ક શરૂ કરવાની જાહેરાત સાથે ગુજરાતના અનેક પાર્ક સંચાલકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.