મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાએ પાણીનું ગેરકાયદેસર પાણીનો ઉપયોગ કરતા ભૂતિયા નળ કનેક્શન ધારકો સામે લાલ આંખ કરી જાહેર નોટિસ આપવામાં આવી હતી. જોકે નોટિસ બાદ પણ ભૂતિયા નળ કનેક્શન ધારકોને પેટનું પાણી પણ ન હાલતા આખરે કડી નગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવી છે. કડી નગરપાલિકા ટીમ દ્વારા પાણી વેડફાટ અને ગેરકાયદેસર રીતે પાણીનો ઉપયોગકર્તાને ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં પાલિકા ટીમ શહેરના ઠેક-ઠેકાણે પહોંચી મુખ્ય પાણીની લાઇન સાથે જોડાયેલા 9થી વધુ ભૂતિયા નળ કનેક્શનની સાથે ઇલેક્ટ્રિક ઉપકરણથી પાણીની લાઈનું પાણી ખેંચી લેતા અને કાગળ પર અલગ કનેક્શન કરાયું હોવાના ખોટા કનેક્શનો ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની સામે દંડાત્મક કાર્યવાહી કરી તેમના નળ કનેક્શન કાપી દઈ ફોજદારી કેશ કરવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.