- મોઢેરા સર્કલ નજીક વીજપોલ ખસેડવા જતા ગેસલાઇન તૂટી,7 ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો
- ભૂગર્ભમાંથી પસાર થતી સાબરમતી ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું
- જેસીબીથી ખાડો ખોદવાની કામગીરી સમયે ગેસની પાઇપમાં ભંગાણ સર્જાયું
- ઘટનાને પગલે તંત્ર દોડતું થયું, બે કલાકની જહેમત બાદ રીપેરીંગ કરાયું
મહેસાણાઃ મહેસાણાના મોઢેરા સર્કલ પર અંડરપાસની કામગીરીને લઇ સર્વિસ રોડને પહોળો કરવા નડતરરૂપ વીજપોલને ખસેડવા ખાડો ખોદાઇ રહ્યો હતો. ત્યારે ભૂગર્ભમાંથી પસાર થતી સાબરમતી ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું હતું. તૂટેલી પાઇપલાઇનમાંથી 7 ફૂટ ઊંચે સુધી ગેસ ફૂવારો છુટ્યો હતો. જોકે બે કલાકની જહેમત બાદ મરામત કરી દેવાયું હતું. અંડરપાસની કામગીરીમાં મોઢેરા રોડ બાજુનો સર્વિસ રોડ ખુલ્લો કરવા નડતરરૂપ વીજપોલ ખસેડવા ખાડો ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગેસ લાઇન લીકેજથી 7 ફૂટ જેટલા ઊંચા ગેસના ફુવારા હવામાં ઉડ્યા.!
મળતી માહિતી મુજબ સવારના સમયે જેસીબી દ્વારા ખાડો ખોદતાં ભૂગર્ભમાં પસાર થતી સાબરમતી ગેસની મુખ્ય લાઇન ડેમેજ થઇ હતી. 125 મીમી ડાયાગ્રામની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં ગેસનો રસાવ 7 ફૂટ ઊંચે સુધી ઉછળ્યો હતો. આ દરમિયાન હાજર જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ જયરામભાઇ રબારીને ઘટનાની માહિતી આપી હતી. જેને લઇ હાઇવે અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી એકબાજુનો રસ્તો બ્લોક કરાવ્યો હતો. બીજી બાજુ સાબરમતી ગેસ, ફાયર, પાલિકા, જીઇબી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. બે કલાકની જહેમત બાદ મરામત પૂર્ણ થતાં તંત્ર સાથે સ્થાનિક વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.