મહેસાણાના કડી શહેરમાં કોરોનાને પગલે અનોખી સેવા
કોરોનાગ્રસ્ત દર્દીઓને અપાય છે ડોર ટુ ડોર સેવાઓ
મેડિકલ લાગતા સાધનો અને દવાઓ દર્દીઓના ઘર સુધી પહોંચાડવામાં આવે છે
કડીઃ કહેવાયું છે ને કે હિંમતે મર્દા તો મદદે ખુદા ત્યારે આ પંક્તિ સાર્થક થઈ રહી છે કડી ખાતે કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ માટે કે જેઓને કોરોના સામેની જંગ જીતાડવા સામજિક અને સરકારી સંસ્થાઓના ઉપક્રમે મળી રહી છે. મનોબળ પૂરું પાડતી પ્રેરણાત્મક સેવાઓ જેથી દર્દીઓ કોરોના સંક્રમિત હોવા છતાં પોતાના જ ઘરે હોમઆઈસોલેટ થઈ રોગ સામે લડવાની હિંમત અને હૂંફ મેળવી રહ્યા છે.
કડી ખાતે કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે સંક્રમિત દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થાય તે હેતુ થી મહેસાણા જિલ્લા કલેકટર અને આરોગ્ય તંત્ર સાથે કડી શહેરની સેવાભાવિ સંસ્થાઓ દ્વારા એક કમિટી બનાવી દર્દીઓને હોમઆઇસોલેશન સમયે મેડિકલ સેવા પ્રાપ્ત થાય માટે અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં ડોક્ટરો અને સેવાભાવી લોકો દ્વારા દર્દીઓના ઘરે મેડિકલ સાધન સામગ્રી અને મેડીસીન પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે તો તબીબો દ્વારા પણ વિડિઓ કોલિંગ સહિતનું કોમ્યુનિકેશન કરી દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ સેવા ફળદાયી નિવડી
અત્યાર સુધી 145 દિવસમાં કુલ 737 દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. જેમાંથી 654 સ્વસ્થ થયા છે તો હાલમાં 81 દર્દીઓ હોમઆઈસોલેટ છે. ત્યારે મહત્વની બાબત એ છે કે આ સેવા દર્દીઓ માટે એટલી આશીર્વાદ રૂપ સાબિત થઈ છે કે એક પણ દર્દીનું અવસાન નથી થયું. ત્યારે કડી ખાતે થઈ રહેલા આ સેવાકાર્ય અન્ય શહેરો માટે પણ પ્રેરણાપુરી પાડી રહ્યું છે.