- કોરોના મહામારીમાં ગાઈડલાઈન્સના પાલન સાથે પોસ્ટ વિભાગે આપી અવિરત સેવા
- લોકડાઉનમાં પણ સરકારી આર્થિક સહાય ઘર ઘર સુધી પહોંચાડી
- ટપાલ, દવાઓ, ખાણીપીણી સહિતની ચીજ વસ્તુઓ મોકલવા અને મેળવવા પોસ્ટ આશીર્વાદરૂપ સાબિત થયું
- સિનિયર સિટીઝન, ગંગાસ્વરૂપ બહેનો અને દિવ્યાંગ લોકોને પણ કોરોના કાળમાં પણ ઘર બેઠા સેવા મળી
મહેસાણા: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ પાર્સલ અને બેન્કિંગ સેવા માટે ગામે ગામ સુધી પાયાનું નેટવર્ક જોડાયેલું છે ત્યારે કોરોના મહામારી સમયે પોસ્ટ વિભાગના કર્મચારીઓએ દ્વારા સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરતા ગંગાસ્વરૂપ બહેનો, દિવ્યાંગો, અને વયોવૃદ્ધ લોકોને મળતી આર્થિક સહાય ડોર ટુ ડોર જઈને આપવામાં આવી છે. મહત્વનું છે કે મહામારીના આ સમયમાં દવાઓ અને ખાણીપીણીની ચીજવસ્તુઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ મોકલી આપવી એ ખૂબ જ અઘરૂં છે ત્યારે પોસ્ટ વિભાગની પાર્સલ સેવાએ ખાણીપીણીની ચીજવસ્તુઓ ઉપરાંત જરૂરી માલસામાન એક જગ્યાએ થી બીજી જગ્યાએ મોકલવાની જવાબદારી પણ બખૂબી નિભાવી હતી.
અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી પોસ્ટની અનેક સેવાઓ ઓનલાઈન બની
આજે દરેક ક્ષેત્રે જ્યારે ડિજિટલાઈઝેશન થઈ ગયું છે ત્યારે પોસ્ટ વિભાગ પણ પોતાની આગવી ટેકનોલોજીથી ATM કાર્ડ , બેન્કિંગ સર્વિસ, પોસ્ટ એકાઉન્ટ સહિત અનેક એવી સેવાઓને આગવી શૈલીથી વેગ આપી રહ્યું છે જેમાં એક ટપાલ ક્યાંથી લઈ ક્યાં સુધી પહોંચી તેની માહિતી સરળતાથી ઓનલાઈન મળી જાય છે, તો જે મની ઓર્ડર કે મની ટ્રાન્સફર થવામાં દિવસો લાગતા હતા તે હવે પોસ્ટ મેન સોફ્ટવેરના આધારે ગણતરીની મિનિટોમાં કરી આપે છે. હાલમાં પોસ્ટ વિભાગમાં આધાર કાર્ડ અપડેટ, ATM કાર્ડ, સેવિંગ એકાઉન્ટ, રીકરીંગ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, અને પાર્સલ સેવા સહિત સરકારી યોજનાઓનો લાભ સીધો જ પોસ્ટ ઓફીસ દ્વારા પ્રાપ્ત થાય છે.
ડિજિટલ યુગમાં મેન્યુઅલી કામ ઓછુ થયું
મહેસાણા પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા પોસ્ટ મેનમાં આજે મહિલાઓનો પણ સમાવેશ થતા તેઓ પોસ્ટમેન તરીકે ગૌરવપૂર્ણ ફરજ બજાવી રહી છે. દિવસ દરમિયાન પોતાના કાર્યને તેઓ 100 ટકા પરિપૂર્ણ કરવાનો ધ્યેય બનાવી રાખે છે. આજે પોસ્ટ ઓફિસના ડિજિટલ યુગમાં મેન્યુઅલી કામ ઓછુ થયું છે અને ડિજિટલ કામગીરી માટે દરેક પોસ્ટમેન પાસે એક સ્માર્ટ ડિવાઇઝ હોય છે જેના થકી તેઓ ટપાલ અને પાર્સલ ડિલિવરી કરી ઓનલાઈન એન્ટ્રી અને ડિજિટલ સિગ્નેચર કરાવે છે તો શહેરો અને ગામડાઓમાં મીની ATM તરીકે નાણાંની લેવડદેવડ માટે પણ ગ્રાહકોને ઓનલાઈન સેવાનો લાભ આપે છે, પોસ્ટમેન તરીકે કામ કરતા આ કર્મચારીઓ કોરોના મહામારી સમયે ડોર ટૂ ડોર સેવા આપી એક યોદ્ધાઓની જેમ ઉભરી આવ્યા છે.
કર્મચારીઓ પોતે પણ કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા
મહત્વનું છે કે કોરોના મહામારીમાં લોકડાઉન સમયે ભારતીય પોસ્ટ વિભાગ અનેક લોકો માટે એક માત્ર આશાનું કિરણ બન્યું હતું. કોરોના માટે પોસ્ટ વિભાગે સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરી દરેક કર્મચારીઓ અને અધિકારીઓએ માસ્ક, સેનેટાઇઝર અને સામાજિક અંતર જાળવી પોતાની ફરજ બજાવી છે. જો કે નાગરિકોની સેવામાં અવિરત રહેલા પોસ્ટ વિભાગના કેટલાક કર્મચારીઓ પોતે પણ કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા હતા છતા આ કપરા કાળમાં ભયના માહોલ વચ્ચે પણ પોસ્ટ વિભાગે બખૂબી રીતે સેવા પૂરી પાડી છે.