વિસનગરઃ કોરોના વાઇરસના મહામારી ભર્યા સમયમાં દેશમાં લોકડાઉનને પગલે RSS સહિતની સેવા ભાવિ સંસ્થાઓના સહયોગ થી વિસનગરમાં જરૂરિયાતમંદ લોકો સુધી 3000 ફૂડ કિટો પહોંચાડવામાં આવી છે.
કોરોના વાઇરસની ગંભીરતા જોતા સરકારે જનહિતમાં કરેલા લોકડાઉનના નિર્ણયથી દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી શક્યું નથી. જો કે, લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ રહેતા કેટલા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા જેથી સરકારે તમામ નાગરિકોની ચિંતા કરતા રાહતનું અનાજ અને આર્થિક મદદ કરી હતી. તો સામાજિક સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી રહી છે.
વિસનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેજા હેઠળ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા 3000 જેટલી ફૂડ કિટો તૈયાર કરી શહેર અને તાલુકા કક્ષાએ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર સેવકાર્યમાં સોશિયલ ડિસ્ટન્સ અને આરોગ્યલક્ષી બાબતોની તકેદારી રાખી સેવકાર્યને વેગ આપવામાં આવ્યો છે.