વિસનગરમાં વહેલી સવારે લાખોની લૂંટ
ઇકો કારમાં આવેલ 3 જેટલા શખ્સોએ રોકી લૂંટ કરી
પોલીસે ઘટના સ્થળ સહિત રસ્તા પરના CCTV ચેક કર્યા
મહેસાણા : વિસનગરના દીપડા દરવાજા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ પટેલ નામના આધેડ વ્યક્તિ શાકભાજી માર્કેટમાં આવેલ પેઢીમાં નોકરી કરતા હતા. તેઓ સવારે પોતાના ઘરેથી નીકળી પોતાના એક્ટિવા પર ગંજ બજાર જતા હતા. ત્યારે રસ્તામાં પાલિકા ફાયર સ્ટેશન અને ડિડી વિદ્યાલય પાસે એક ઇકો કારમાં આવેલા 3 જેટલા અજાણ્યા શખ્સોએ તેમના એક્ટિવને ઓવરટેક કરી તેમને રોક્યા હતા.
તેમજ ગાડીમાંથી ઉતરેલા 3 જેટલા લૂંટારુઓએ મુકેશભાઈ સાથે ધક્કામૂક્કી કરી એક્ટિવાની ચાવી પડાવી 4 લાખ જેટલી રોકડ ભરેલો થેલો લૂંટી ભાગી છૂટ્યા હતા. ઘટનામાં ભોગ બનનારને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.
આ સમગ્ર બનાવ બાબતે પેઢી સંચાલકોને જાણ થતાં તેઓએ પોલીસની મદદ માંગી હતી. ત્યારે વિસનગર ડિવિઝન પોલીસ અને મહેસાણા LCB સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. ભોગ બનનારના નિવેદન આધારે 4 લાખની લૂંટની ફરિયાદ નોંધી હતી. તેમજ જાહેર સ્થળે લાગેલા CCTV ફૂટેજ ચકાસવા સહિત જિલ્લામાં નાકાબંધી સાથે મોબાઈલ લોકેશન તપાસવા સહિતની કામગીરી હાથ ધરી હતી.
મહત્વનું છે કે, લોકડાઉન બાદ વિસનગરમાં 4 લાખની લૂંટની પ્રથમ ઘટના સામે આવી છે. ત્યારે ફરિયાદી પક્ષે વેપારીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા છે.આ ઘટના બની તે જગ્યા અને પોલીસ ચોકી વચ્ચે 500 મીટરનું પણ અંતર નથી. ત્યારે આ પ્રકારની લૂંટની ઘટના ખૂબ ગંભીર કહી શકાય.
વિસનગરમાં બનેલી 4 લાખની લૂંટ મામલે મહેસાણા LCB અને SOG સહિતની ટીમો તપાસમાં લાગી ગઇ છે. પોલીસને આખરે આ ગુન્હાની તપાસમાં સફળતા ક્યારે મળે છે તે જોવું રહ્યું.