મહેસાણાઃ રાજ્યમાં જ્યાં રાજકારણને પગલે સહકારી ક્ષેત્રોને ભરખી જવાની રાજનીતિ શરૂ થઈ છે. ત્યાં વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં લોકડાઉન વચ્ચે દસ્તાવેજ જપ્તી માટે જિલ્લા રજીસ્ટારની ટિમ પોલીસ સાથે પહોંચી હતી. મહત્વનું છે કે, આજે જ્યારે લોકડાઉનમાં તમામ કચેરીઓ કામ ઠપ છે. અને જન આરોગ્યની ચિંતામાં સૌ કોઈ ચિંતાતુર છે.
વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલ જૂથના કેટલાક તત્વોની સહકારી સંઘમાં દખલગીરીને પગલે કોર્ટ મેટર થયેલી હોવા છતાં આજે મહેસાણા જિલ્લા રજીસ્ટાર કચેરી દ્વારા વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં જપ્તી વોરંટ બજાવી તાત્કાલિક અસરથી રીઓડિટ માટેના જરૂરી છેલ્લા ચાર વર્ષના દસ્તાવેજો માગવામાં આવ્યા છે. જોકે, સંઘના પ્રમુખ અને મેનેજર હાજર ન હોવાથી આખરે વિસનગર શહેર પોલિસે પણ રેકોર્ડ જપ્તીમાં રસ લઈ વિડીયોગ્રાફી સાથે પંચનામું કરી કચેરીમાં રહેલી તિજોરી કબાટ તોડી અંદર રહેલા દસ્તાવેજો બહાર કાઢી જપ્ત કરાવ્યા છે.
રજીસ્ટાર કચેરી મહેસાણા દ્વારા 40 જેટલા આ કચેરીના દસ્તાવેજો જપ્ત કરવાનો આદેશ કરાયો હતો. ત્યારે બાદમાં રેકોર્ડ આધારે રીઓડિટની કામગીરી કરવામાં આવશે. આમ રીઓડિટ દરમિયાન સંઘના કોઈ પણ વ્યવહારોમાં ક્ષતિ જાણી આગામી દિવસોમાં થનાર સંઘની ચૂંટણીમાં સત્તા મેળવવા માટેનો કારશો વિસનગરમાં અત્યારથી જ લોકડાઉન વચ્ચે કચેરીઓના લોક તોડી શરૂ કરવામાં આવ્યો છે.