મહેસાણા અર્બન બેંકમાં વર્તમાન શાસક પેનલે પોતાની સત્તા જાળવી રાખી છે. વિકાસ પેનલ માંથી પોતાના 16 ડિરેક્ટરો વિજય જાહેર થયા છે જ્યારે વિકાસ સામે પડેલી વિશ્વાસ પેનલ માંથી માત્ર એક ડિરેકટર ચૂંટાઈ આવ્યા છે. મહત્વનું છે કે 9 હજાર કરોડનું ત્રણ ઓવર ધરાવતી મલ્ટી સ્ટેટ મહેસાણા અર્બન કો.ઓ.બેંકની હાઈ પ્રોફાઈલ ચૂંટણીમાં વર્તમાન શાસકોની વિકાસ પેનલનો બહુમતી સાથે ઝળહળતો વિજય થયો છે.
જી.કે.પટેલની વિકાસ પેનલે 17 પૈકી 16 બેઠકો જીતી લીધી છે. વિશ્વાસ પેનલમાંથી એકમાત્ર ડી.એમ.પટેલ જીત્યા છે. જોકે વિશ્વાસ પેનલના મહેન્દ્ર પટેલે સરેરાશ 960 મતોની સરસાઈ જોતા રિકાઉન્ટિંગ માંગ્યું હતું. પરંતુ અરજી સાથે તેમણે રિકાઉંટિંગની ફી સમયસર ન ભરતા ચૂંટણી અધિકારીએ પરિણામ જાહેર કરી દીધું હતું. બેંકના 66238 સભાસદો પૈકી માત્ર 31871 સભાસદો એ જ મતદાન કર્યું છે. જેને જોતા આ ચૂંટણીમાં 48 ટકા જેટલું મતદાન નોંધાયું હતુ.