મહેસાણા: સોશિયલ મીડિયાના ક્રેઝને કારણે પણ હવે યુવાનોના મોત થઇ રહ્યા છે. જેના કારણે સોશિયલ મીડિયા ઘાતક પુરવાર થઇ રહ્યું છે. આ એક સાઇડ ઇફેક કહી શકાય. મહેસાણામાં આવેલા વિજાપુર તાલુકાના આગલોડ ગામ આવેલ સાબરમતી નદીમાં બે યુવાનો પાણીમાં સેલ્ફી લેવાના કારણે ડૂબી ગયા છે. સામાજિક પ્રસંગે આવેલ બે યુવકોના મોતથી અવસરનો આનંદ શોકમાં ફેરવાયો હતો.
ફાયર ફાઈટર ટીમ દોડી: ડૂબવાની ઘટના સામે આવતા વિજાપુર અને માણસા ફાયર ફાઇટર ટીમ દોડતી થઈ હતી. ફાયર અને પોલીસ સહિત સ્થાનિકો એ ભારે જહેમત ઉઠાવી પાણીમાં શોધખોળ કરી બે યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ બનાવને પગલે પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગામના મહિલા સરપંચ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગલોડ ગામે રહેતા દીનેશજી કિશાજી પરમારની દીકરના સગપણના સામાજિક પ્રસંગે અમદાવાદથી મહેમાનો આવ્યા હતા.
આ પણ વાંચો Mehsana News : મેવાણી અને રેશ્મા પટેલ સહિતના 10 લોકોને કોર્ટે છોડ્યા નિર્દોષ
નદીના પાણી: જેમાં પરેશ મહેશજી ઠાકોર અને રાહુલ માથુરજી બન્ને જણ ફરતા ફરતા નજીકમાં આવેલ સાબરમતી નદીના કાંઠે ગયા હતા. નદીનો નજારો જોઈ મોબાઈલમાં સેલ્ફી અને રિલ્સ બનાવવા નદીના પાણી નજીક ગયા હતા. તેવામાં સેલ્ફી લેતા લેતા એક યુવકનો પગ લપસતા પાણીમાં ડુબવા લાગ્યો હતો. જેને બચાવવા જતા બીજો યુવક પણ પાણીમાં કુદતા પાણીનું વહેણ બંને ખેંચી ગયું હતું.
લોકોના ટોળે ટોળા: બન્ને યુવક ડૂબી ગયાની જાણ થતાં લોકોના ટોળે ટોળા બનાવના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે વિજાપુર અને માણસા ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ રસ્સા અને ટ્યુબની મદદ થી નદીમાં જઈ શોધખોળ કરતા બે કલાકની જહેમત બાદ બનેં યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. નદીના પાણીમાં ડુબવાથી બન્ને યુવકના મોત થતા સ્થાનિક પોલીસ જાણવાજોગ નોંધ કરી હતી. મૃતકોનું પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.