મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનાં ખરોડ ગામની ધરા પર જન્મ લેનાર એક મહિલાએ આજે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આજે રાજ્યપાલ બન્યા બાદ પ્રથમવાર પોતાના પિયર પધાર્યા હતા. ખરોડ ગામે જ્યાં આનંદીબહેને અભ્યાસ કર્યો હતો એ શાળામાં તેમના હસ્તે સ્માર્ટ કલાસરૂમ, વાઇફાઇ સેવા, પ્રતિક્ષાકક્ષ, નવીન કલાસરૂમ અને કોમ્પ્યુટરરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપી ગામના સામાજિક શૈક્ષણિક વિકાસમાં પોતાનો યશફાળો આપનાર દાતાઓને યાદ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતનું મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ મધ્યપ્રદેશમાં રાજ્યપાલ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં આનંદીબહેન પટેલે ચાર વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. જેમાં ભોપાલમાં 2.33 લાખ વિદ્યાર્થીઓએ વાંચન કર્યું. પઢે ભોપાલ નામે એક કાર્યક્રમ થયો. જે વિશ્વરેકોર્ડ થયો ત્યાં પર્યાવરણની ચિંતા કરતા વધુ એક પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃતનું વાંચન કરાવી પ્રકૃતિ વિષય પર 30 શ્લોકનું ઉચ્ચારણ કરી હાથમાં વૃક્ષનો છોડ લઈ 1111 વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી બીજો વિશ્વ રેકોર્ડ બનાવ્યો, રાજ્ય ભવનમાં સિક્યુરિટીને હળવી કરી મુલાકાતીઓને પ્રવેશ અપાવી રાજ્યભવનની મુલાકાત માટે 11 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી દરવાજા ખુલ્લા રાખવામાં આવતા 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી અને એ પણ વિશ્વ રેકોર્ડ બન્યો હતો. એક રાજ્યપાલે બે રાજ્યોના મંત્રીમંડળ અને મુખ્યપ્રધાનની શપથ વિધિ એક સાથે થઈ હોવાનો પણ વિશ્વરેકોર્ડ આનંદીબહેને બનાવ્યો છે.
આનંદીબહેન ગામની એક શિક્ષિત પરિવારની દીકરી હોવાથી રાજ્ય અને દેશની સેવામાં પોતાની આગવી ભૂમિકા નિભાવી છે. જેનું ગૌરવ લેતાં ખરોડ ગામવાસીઓ આનંદીબહેનને લાંબા સમય બાદ મળતા સ્નેહસભર લાગણીનો માહોલ સર્જાયો હતો. લોકાર્પણ અને સન્માન સમારોહમાં હાજરી આપી આનંદીબહેન પટેલે અન્નનો બગાડ ન કરવા સંયુક્ત કુટુંબમાં રહેવા અને વ્યસન મુક્તિ સહિતના જનજાગૃતિ માટેના આવશ્યક મુદ્દાઓનું પાલન કરવા ઉપસ્થિત શ્રોતાઓને શપથ લેવડાવ્યા હતા.