- 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા અશોક પટેલ
- સ્ટોર બંધ કરતા સમયે અજાણ્યા વ્યક્તિએ કર્યો ગોળીબાર
- કડીના વડુ ગામના આધેડની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા
મહેસાણાઃ કડીના વડુ ગામના આધેડની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અમેરિકાના પેન્સિલવેનિયામાં નોકરી દરમિયાન સ્ટોર બંધ કરતા સમયે લૂંટારૂએ હુમલો કર્યો હતો અને ગોળી મારીને હત્યા કરી હતી.
કડીના વડુ ગામના વતની અશોક અંબાલાલ પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા હતા, તેમણે તાજેતરમાં જ નવી નોકરી શરૂ કરી હતી. નોકરી પૂર્ણ થયા બાદ સ્ટોર બંધ કરતા હતા તે સમયે લૂંટારૂએ હુમલો કર્યો હતો અને ગોળી મારીને હત્યા કરી હતી. હેઝલટનના વેસ્ટ બ્રોડ સ્ટ્રીટ પર ક્રેગના ફૂડ માર્ટ પર ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
હાલ પોલીસ ગોળી મારનારા શખ્સની ઓળખ કરી રહી છે. લુઝર્ન કાઉન્ટીના ડિસ્ટ્રીક્ટ એટર્ની સ્ટેફની સાલાવાન્ટીસે જણાવ્યું કે, “પટેલ યુવકની હત્યા એક ક્રૂર અને હિંસક હુમલામાં કરવામાં આવી હતી. પટેલ યુવકે તેના હત્યારાને ઉશ્કેરવા માટે કંઇ જ કર્યું નહતું અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, શૂટર લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘુસ્યો હતો અને પટેલ પર ગોળી ચલાવી હતી.”
વડુમાં હત્યાના સમાચાર મળતા ગમગીની વ્યાપી ગયી
અમેરિકામાં છેલ્લા આઠ વર્ષથી સ્થાયી થયેલા અશોકભાઈનું અજાણ્યા હુમલાખોરે લૂંટ કરી હત્યા કરી હોવાના સમાચાર તેમના વતન વડું ગામમાં પહોંચતા ગામલોકોમાં ગમગીની વ્યાપી ગયેલી જોવા મળી રહી છે. ગામલોકો તેમજ કુટુંબીજનો મૃતક અશોકભાઈ પટેલના પરીવારજનોને સાંત્વના આપવા તેમના ઘેર પહોંચ્યા હતા.