- શિયાળુ પાકમાં આરોગ્યવર્ધક ગણાતા કચ્ચરિયા પાક
- કચ્ચરિયું છે શિયાળાની ખાસ વાનગી
- ઔષધીય મસાલાથી બને છે કચ્ચરિયું
મહેસાણા : સામાન્ય રીતે શિયાળાની સીઝનમાં ઠંડીનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બનતો હોય છે. ત્યારે આ ઠંડીમાં ટકી રહેવા વર્ષોથી શિયાળુ પાકનું સેવન કરવામાં આવી રહ્યું છે. જે ઠંડી સામે રક્ષણ અપાવે છે. ત્યારે આ શિયાળુ પાકમાં મહત્વનું ગણાતા અને સ્વાદનો ચસ્કો એવા કચ્ચરિયા પાકની વાત કરીએ તો વિસનગરમાં કાળા અને ધોળા તલનું કચ્ચરિયું બનવવામાં આવે છે. જે માટે શહેરમાં શિયાળો શરૂ થતાંની સાથે જ ઠેર-ઠેર તેલ ઘાણીના સ્ટોલ લાગી જતા હોય છે. અહીં રોજબરોજ હજારો કિલો તલ પીસી તેમાંથી વિવિધ પ્રકારનું કચ્ચરિયું બનવવામાં આવે છે. જે કચ્ચરિયું દેશ-વિદેશ સુધી મોકલવામાં આવે છે.
કચ્ચરિયું છે શિયાળાની ખાસ વાનગી
વિસનગરનું ખ્યાતનામ કચ્ચરિયું દેશ-વિદેશમાં થાય છે નિકાસ
અહીં આવતા ગ્રાહકો શિયાળામાં કચ્ચરિયાનું સેવન કરી ઠંડી સામે રક્ષણ મેળવે છે. આ સાથે જ આરોગ્ય માટે રક્ષા કવચ પૂરું પાડતું આ કચ્ચરિયું અનેક ગણું પોષણકારી અને ગુણકારી હોવાનું માની રહ્યા છે. વિસનગરમાં વર્ષોથી ઘાંચી પરિવારના સભ્યો તલને ઘાણીમાં પીસી કચ્ચરિયા પાક બનવતા હોય છે. જે નજર સમક્ષ જ બનાવતા હોય છે. ત્યારે અહીં આવતા ગ્રાહકોને શુદ્ધ કચ્ચરિયાનો સ્વાદ ખેંચીને લાવે છે. માત્ર સ્થાનિક નહીં પરંતુ બહારગામના ગ્રાહકો પણ અહીંથી મોટા પ્રમાણમાં કચ્ચરિયું લઈ જઈ પોતાના સ્નેહી સબંધીઓને પહોંચાડે છે.કચ્ચરિયું છે શિયાળાની ખાસ વાનગી
આવો જાણીએ આ સ્વાદિષ્ટ કચ્ચરિયાની બનાવટ અને સ્વાદનું રાજ
આજે જ્યારે વિસનગરના સ્વાદિષ્ટ કચ્ચરિયાના આટલા વખાણ આ ગ્રાહકો કરી રહ્યા છે. ત્યારે સૌ કોઈને જાણવાનું મન થાય કે, આખરે આ સ્વાદિષ્ટ કચ્ચરિયું બને છે કેમ તો કચ્ચરિયાની ઘાણી ચલાવતા કારીગરના જણાવ્યું અનુસાર ધોળા કે, કાળા તલને પહેલા ઘાણીમાં નાખી પીસવામાં આવે છે. જે બાદ તલનું તેલ નીકળી જાય પછી તેમાં કાળા કે, ધોળા ગોળને પ્રમાણસર નાખવામાં આવે છે. જ્યારે તલ-ગોળ એકબીજામાં ભળી જાય બાદમાં સૂંઠ, ખસખસ અને ગંઠોડા જેવા ઔષધીય મસાલા પ્રમાણસર નાખવામાં આવે છે. આમ થોડીક વારમાં ઘાણીમાં નાખેલી બધી જ વસ્તુઓ પીસાઈ જતા કચ્ચરિયું તૈયાર થઈ જાય છે. જે બાદ તેમાં ડ્રાયફ્રુટ, ચેરી, સહિતની ચીજ વસ્તુઓ નાખી સજાવટ કરવામાં આવે છે. આમ લોકોનું સ્વાદપ્રિય કચ્ચરિયું તૈયાર થઈ જાય છે.
ચાલુ સીઝનમાં મંદીનો સામનો કરી રહ્યા છે આ તેલઘાણીના સંચાલકો
વિસનગરથી સ્વાદનો ચસ્કો બનેલા કચ્ચરિયા પાકનું સામાન્ય રીતે દર શિયાળાની સીઝનમાં દેશ વિદેશ સુધી ધૂમ વેચાણ થતું હોય છે. જેમાં એક દુકાન પરથી 3 થી 4 લાખનું કચ્ચરિયું વેચાતું હોય છે. ત્યારે કચ્ચરિયા માટે પ્રચલિત બનેલા વિસનગરમાં અંદાજે 20 જેટલી દુકાનોમાં 35 જેટલી તેલ ઘાણી ચાલે છે. તેમજ હજારો કિલો કચ્ચરિયાનું રોજ ઉત્પાદન થતું હોય છે. જોકે, ચાલુ સીઝનમાં કચ્ચરિયા પાકના વેચાણમાં ક્યાંક કોરોના ગ્રહણ લાગ્યું હોય તેમ વેપારીઓ મંદીનો માહોલ અનુભવી રહ્યા છે. તો આ વખતે કચ્ચરિયું 120 થી 180 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.