વડનગરમાં સસ્તા અનાજનો કાળો કારોબાર સામે આવ્યો
20 બોરી સરકારી અનાજ ભરેલી માર્ક સાથે એક ટેમ્પો મળી આવ્યો
ટેમ્પો ચાલકના નિવેદનથી તપાસ કરવામાં આવી
મહેસાણા: વડનગર પીઠોરી દરવાજે આવેલા સસ્તા અનાજની દુકાનેથી છેલ્લા ઘણાં સમયથી ગરીબોને આપતા અનાજનો કાળો કારોબાર અંબાજી માતાના ચોકમાં આવેલા અંબિકા ફ્લોર ફેક્ટરીમાં થતો હોવાની માહિતી લોકોમાં ચર્ચાઈ રહી હતી. ત્યારે તાજેતરમાં એક જાગૃત નાગરિકની બાતમીના આધારે વડનગર પુરવઠા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા 20 બોરી સરકારી અનાજ ભરેલી માર્ક સાથે એક ટેમ્પો મળી આવ્યો હતો. ટેમ્પો ચાલકની પૂછપરછમાં અંબિકા ફ્લોર ફેક્ટરીના માલિકના ઘરે અન્ય 20 બોરી ચોખા પણ ઉતર્યા હોવાનું સામે આવ્યું હતું. આમ સરકારી અનાજ અંગત લાભ માટે ખાનગી ફ્લોર ફેકટરી સંચાલકને વેચી દેવામાં આવતું હોવા મામલે તંત્રએ સ્થળ પરથી 20 બોરી એટલે કે, અંદાજે બે હજાર કિલો ઘઉં અને 1500 કિલો જેટલા ચોખાનો જથ્થો સિઝ કરી સેમ્પલ ચકાસણી માટે મોકલી આપવા સહિતની કામગીરી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનામાં ટેમ્પો ચાલક અને અંબિકા ફ્લોર ફેક્ટરીના માલિકના નિવેદન લેવામાં આવ્યા છે, તો ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર દ્વારા સમગ્ર તપાસમાં પ્રાથમિક તબક્કે જ ભીનું સંકેલવા મીઠાની થેલી અને ફ્લોર ફેકટરીમાં પડેલ ઘંઉના સેમ્પલ તપાસ કરવામાં આવ્યા નથી. આમ ફલોર ફેકટરી માલિકનો માલ સિઝ ન થાય માટે તંત્રના ચાર હાથ જોવા મળ્યા છે. ત્યાં સવાલ એ છે કે, વડનગર સસ્તા અનાજના ગોડાઉનથી લઈ કન્ટ્રોલમાં રહેલા અનાજનો આ કાળો કારોબાર આખરે ક્યારે અને કેવી રીતે અટકશે...?