મહેસાણા: જિલ્લામાં દિવસ દરમિયાન અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યો હતો. એવામાં વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં મહેસાણા 75mm, વિસનગરમાં 12 mm, વડનગરમાં 05 mm, ખેરાલુમાં 03 mm, વિજાપુરમાં 04 mm, કડીના 05 mm વરસાદ રાત્રી 8 થી 10 વાગ્યાના સમયમાં માત્ર બે કલાકમાં જ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં 2 કલાકમાં ધોધમાર વરસાદે 3 ઇંચ પાણી વરસાવી દેતા રસ્તાઓ, ગરનાળાઓ અને કેટલાક મકાનોમાં પાણી ભરાઇ ગયા હતા.

મહેસાણાની કારકુન ચાલી અને રાધનપુર રોડ વિસ્તારમાં આવેલ પુરુષાર્થ સોસાયટીમાં 4 ફૂટ પાણી ભરાઇ જવાના અહેવાલ મળ્યા હતા. જેની જાણ થતાં જ સ્થાનિક ડિઝાસ્ટર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી રાહત કામગીરી ચાલુ કરી હતી.