મહેસાણામાં આરોગ્ય વિભાગની પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. આરોગ્ય વિભાગે 14 જેટલાં મેલેરિયા થતા સંભવિત ગામોમાં સર્વે હાથ ધરી કુલ 13720 જેટલી વસ્તીને આવરી લેતા વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો.જે માટે જિલ્લામાં કુલ 2 ટીમ કાર્યરત છે.અને બન્ને ટીમોને આલ્ફાસાયપરમેથીન નામની ગંઘમુક્ત જંતુનાશક દવા છાંટવાના 4 પમ્પ આપવામાં આવ્યા છે,જેના થકી આ ટીમો ઘરે ઘરે જઈ દવાનો છંટકાવ કરી રોગો થતાં અટકાવે છે.
ગત વર્ષે 2018ની સાલમાં સરકારી દવાખાને મેલેરિયાના કુલ 148 કેસ નોંધાયા હતા. જે ચાલુ વર્ષે માત્ર 61 જ કેસ જોવા મળ્યા છે તો ડેન્ગ્યુની બીમારીમાં વર્ષ 2018માં 11 કેસ નોંધાયા હતા જે ચાલુ વર્ષે માત્ર 8 અને ચીકનગુનીયાનો માત્ર 1 જ કેશ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગની કુશળ કામગીરીએ જિલ્લામાં રોગચાળાને થતા પહેલા જ અટકાવ્યો છે. ગામના મોટા તળાવો ખાબોચિયામાં બળેલું ઓઇલ નાખવામાં આવી રહ્યું છે, તો પાણીના હોજ અને ઊંડા તળાવોમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે ગપ્પી માછલી નાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા અને ધાત્રી મહિલાઓ સહિત 5 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક મચ્છર જાળીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે ઘરવપરાશનાં પાણીમાં નાખવા માટે ક્લોરીનેશનની ટેબ્લેટ અને અન્ય દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.