વડનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીજીએ આજે વડનગરમાં ઘાટકોલ ખાતે છઠ્ઠી શતાબ્દીના મળેલા બુદ્ધવિહાર, તાનારીરી સમાધિ સ્થળની મુલાકાત લઈને રસપૂર્વકમાહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીની જન્મભૂમિ વડનગર ખાતે તેમના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી.
જૂની વડનગર કુમારશાળા નંબર 1-2 ની પણ મુલાકાત: રાજ્યપાલ પીએમ જ્યાં ભણ્યા હતા તે જૂની વડનગર કુમારશાળા નંબર 1-2 ની પણ મુલાકાત લીધી હતી. તેમજ નિર્માણ પામી રહેલી નવી શાળાની પણ મુલાકાત લીધી હતી.
ઉત્ખનનમાં મળી આવેલા પૌરાણિક અવશેષો અને મ્યુઝિયમના નવા આકાર પામતા રૂપને પણ રાજ્યપાલે નિહાળ્યું હતું. આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાના અભિજીત આંબેડકર પાસેથી તેમણે વિગતે માહિતી મેળવી હતી. તેઓ આદિ-અનાદિ અનંત વડનગરની વિગતો જાણીને પ્રભાવિત થયા હતા.
ક્લોક ટાવરમાં આવેલી આર્ટ ગેલેરીની મુલાકાત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સપ્તઋષિના આરે પણ ગયા હતા. ત્યાં તેમણે તળાવ અને ઋષિઓ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે વડનગરના સુપ્રસિદ્ધ કીર્તિ તોરણની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ 14મી સદીના સ્તૂપ વિશે માહિતગાર થયા હતા. વડનગર શહેરમાં ક્લોક ટાવરમાં આવેલી આર્ટ ગેલેરીની મુલાકાત લીધી હતી.
રાગોના થીમ પાર્કની પણ તેમણે મુલાકાત: શર્મિષ્ઠા તળાવના કિનારે આવેલા રાગોના થીમ પાર્કની પણ તેમણે મુલાકાત લીધી હતી. તેઓએ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવમાં નૌકા વિહાર પણ કર્યો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા અને તેમની દીકરી શર્મિષ્ઠા વિશે પણ માહિતી મેળવી હતી.
આ પ્રવાસમાં તેમની સાથે અગ્રણી રાજુભાઈ મોદી, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, કલેક્ટર એમ .નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ, વિસનગર પ્રાંત દેવાંગભાઈ રાઠોડ પુરાતત્વ વિભાગના પ્રીતમ કુમાર ઉપસ્થિત હતા.