- કુકરવાડા ગામે કાળી ચૌદસની 200 વર્ષ જૂની શેરડીની માંડવીની પરંપરા
- માન્યતા મુજબ શેરડીના ગરબાની માંડવી બનાવાય છે
- દેશ વિદેશ રહેતા લોકો ગરબાના દર્શને આવે છે
- દીકરો અવતરતા ગરબો કાઢી માનતા પુરી કરાય છે
મહેસાણા: જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા કુકરવાડા (Kukarwada) ગામે પરંપરાગત કાળી ચૌદસ (Kali Chaudas) ના ગરબાનું આયોજન કરાય છે. આ પ્રસંગે વર્ષો જૂની માન્યતા મુજબ ગામના તમામ સમાજના લોકોના સહયોગથી શેરડીના સાંઠાનો ઉપયોગ કરી ગરબા રૂપી માતાજીની માંડવી તૈયાર કરવામાં આવે છે. ગામના સુથારભાઈઓ લાકડા, મોદી ભાઈઓ તેલ, પ્રજાપતિ ભાઈઓ કોડિયા અને માળી ભાઈઓ ફૂલ હારના શણગાર આ માંડવીના નિર્માણમાં અર્પણ કરે છે.
આ પણ વાંચો: Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો
સંતાન પ્રાપ્તિએ ગામના લોકો રાખે છે માનતા
આમ પરંપરાગત ઉજવાતા આ પર્વને કારણે ગામની તમામ સમાજમાં ભાઈચારો અને એકતા અકબંધ રહી છે. ગામમાં જે પરિવારમાં પ્રથમ દીકરો જન્મે છે તે પરિવાર માતાજીની શેરડીના ગરબાની માનતા રાખે છે અને કાળી ચૌદસ (Kali Chaudas) ના દિવસે પરિવાર સાથે યુગલ પોતાના સંતાનને લઈ વાજતે ગાજતે માતાજીનો ગરબો કાઢે છે. ગામના વડીલો દ્વારા વિધિવત શુકન અને મુહૂર્ત પ્રમાણે શેરડીના સાંઠાથી માંડવી તૈયાર કરવામાં આવે છે. જે બાદ તૈયાર કરેલી આ માંડવીને ગામના જુદા જુદા વિસ્તારમાં ફેરવવામાં આવે છે.
આ પણ વાંચો: Diwaliના દિવસે કરો રામબાણ ઉપાય, મળશે ખુશીઓ, થશો માલામાલ
શેરડીની માંડવી દરેક જ્ઞાતિની એકતાનું પ્રતિક બને છે
અહીં એવી પણ એક માન્યતા રહેલી છે કે, નાના બાળકોને માંડવીનો સ્પર્શ કરાવી દર્શન કરાવતા બાળક સ્વસ્થ અને તંદુરસ્ત બને છે અને તેને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. દેશ વિદેશ રહેતા લોકો પણ આજના દિવસે ખાસ ગરબામાં હાજર રહે છે. આમ આજે પણ કુકુરવાડા ગામે શેરડીના ગરબાની વર્ષો જૂની પરંપરા અને માન્યતા ઉજવવામાં આવતા ગામમાં એકતાની મિસાલ કાયમ રહેલી છે.