- વિસનગરમાં 85.53 લાખના વેપારમાં 106 પેઢીનું ફૂલેકુ ફેરવનાર 3 વર્ષે રેન્જ સ્કોડના હાથે ઝડપાયા
- અમદાવાદથી ઝડપાયેલ પિતા-પુત્ર બન્ને આરોપી 2 દિવસના રિમાન્ડ
- વિસનગર શહેર પોલીસે રિમાન્ડના આધારે કસ્ટડીમાં રાખી વધુ તપાસ હાથ ધરી
- 85.37 લાખના ગવારના પૈસા ન ચૂકવનાર પિતા-પુત્ર 3 વર્ષે રેન્જ સ્કોડના હાથે ઝડપાયા
મહેસાણા : વિસનગર માર્કેટયાર્ડની જુદી જુદી 106 પેઢીઓ ઉપરથી રૂ.85.37 લાખના ગવારની ખરીદી કરી પૈસા નહીં ચૂકવી પેઢી બંધ કરી છેતરપિંડી કરવાના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા પિતા-પુત્રને ગાંધીનગર રેન્જ સ્ક્વોડે ઝડપી લઇ વિસનગર પોલીસને સોંપ્યા હતા. પોલીસે બુધવારે બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લીધા છે.
APMCના 106 વેપારીઓને ચેક આપી વિશ્વાસઘાત કરતા પિતા-પુત્ર ફરાર થયા હતા
વિસનગર APMCમાં દર્શન ટ્રેડિંગ નામની ભાગીદારી પેઢી ધરાવતા સદુથલાના ફુલચંદભાઇ મણિલાલ પટેલે માર્કેટયાર્ડમાં પાર્શ્વનાથ ટ્રેડિંગ કંપની નામે પેઢી ધરાવતા શાહ દર્શન રાજેન્દ્રકુમાર અને તેમના પિતા રાજેન્દ્રકુમાર પ્રવિણચંદ્ર શાહને 5 -1-2018થી 20-1-2018 દરમિયાન અલગ અલગ ભાવે ગવાર વેચાણ આપ્યો હતો. જ્યારે ગંજ બજારના કુલ 106 વેપારીઓ પાસેથી પણ ગવારની ખરીદી કરી હતી. જેના નીકળતા પૈસા પેટે ચેક આપ્યા હતા.
પિતા-પુત્ર બન્ને આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર રખાયા
દરમિયાન, 20 જાન્યુઆરી, 2018ના રોજ આ પિતા-પુત્ર પેઢી અને ઘર બંધ કરી ફરાર થઇ ગયા હતા. પેઢીનું ઉઠમણું થયાની ચર્ચા થતાં દર્શનભાઇએ આપેલા ચેક ફુલચંદભાઇએ બેન્કમાં જમા કરાવતાં રિટર્ન થયા હતા. જેથી ફુલચંદભાઇ પટેલે દર્શન શાહ અને તેના પિતા રાજેન્દ્ર શાહ વિરુદ્ધ રૂ.85,37,687ની છેતરપિંડીની શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં છેલ્લા બે વર્ષથી પિતા-પુત્ર નાસતા ફરતા હતા. ગાંધીનગર રેન્જ સ્ક્વોડે બાતમી આધારે બંનેને અમદાવાદથી ઝડપી લઇ વિસનગર પોલીસને સોંપ્યા હતા. પોલીસે બંને પિતા-પુત્રની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.