- વિજાપુરના કોલવડામાં પિતાએ ભાઈ અને ભત્રીજાઓ સાથે મળી પુત્રની કરી હત્યા
- લાકડાનો ફટકો મારી પિતાએ જ પુત્રનું ઢીમ ઢાળી દીધું
- વિજાપુર પોલીસ મથકે મૃતકની પત્નીએ નોંધાવી ફરિયાદ
મહેસાણા: વિજાપુરના કોલવડા ગામના યુવકની અસામાજિક પ્રવૃત્તિ બાદ ઘર અને કૌટુંબી જનો સાથે મિલકત મામલે તકરાર કરતો હોઈ ગામનું ઘર સળગાવી દેવાનો પ્રયાસ કરતા યુબકના પિતાએ લાકડાના ફટકા મારી 12 દિવસ પહેલા હત્યા કરી લાશ ખેતરમાં સળગાવી દીધી હતી. જોકે, મૃતક યુવકની પત્નીના ધ્યાને આવતા વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો: સેલવાસમાં પિતા બન્યો હેવાન, 4 વર્ષના પુત્રની કરી હત્યા
યુવકે પરિવારને દબાવવા પેટ્રોલ રેડી ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો
કહેવાયું છે ને કે જર, જમીન અને જોરું ત્રણેય કજીયાના છોરું કંઈક આવી જ એક ઘટના સામે આવી છે. વિજાપુર તાલુકાના કોલવડા ગામ કે જ્યાં એક પટેલ પરિવારનો દીકરો છેલ્લા 4 વર્ષથી પત્ની સાથે ગામથી બહાર વિસનગર રહેતો હતો અને જુગાર, ચોરી ચકારી જેવી અસામાજિક પ્રવૃતિઓમાં સપડાયો હતો. ગત 11 તારીખે પોતાના ગામ કોલવડા જઈને પિતા અને ઘરના સભ્યો સાથે મિલકતનો ભાગ લેવા કકળાટ કરતા યુવકે મિલકતનો ભાગ મેળવવા પરિવારને દબાવવા પેટ્રોલ રેડી ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: ખેડામાં પુત્રએ માત-પિતાને ઓળખવાનો કર્યો ઇન્કાર, પિતા પુત્રની કરી હત્યા
હત્યા બાદ બનાવના પુરાવા નાશ કરવા અંગેની ફરિયાદ નોંધાવી
યુવકના પિતાએ પોતાના ભાઈ અને ભત્રીજાઓ સાથે મળી પોતાના જ પુત્રના માથે લાકડાનો ફટકો મારી લોહી લુહાણ કરી દેતા મૃતક યુવક નીચે પટકાયો હતો. જે બાદ પણ હત્યારાઓ પિતા, કાકા, અને કૌટુંબી ભાઈઓએ દોરડાથી મૃતકનું ગળું દબાવ્યું હતું. યુવકનું મોત નીપજતા મૃતદેહને કોથળામાં ભરીને ખેતરમાં લઈ જઇને સળગાવી દેવામાં આવ્યો હતો. આ વાતની જાણ મૃતક નિકુલની પત્ની મિત્તલને થતા તેણે વિજાપુર પોલીસ મથકે જઈને પોતાના સસરા, કાકા સસરા અને કૌટુંબી દીયરો સામે પોતાના પતિ નિકુલની હત્યા, અને હત્યા બાદ બનાવના પુરાવા નાશ કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.