મહેસાણા: મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ડાંગરવા ખાતે રૂ.૪૧ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ તથા કડી કોટન માર્કેટ યાર્ડના મુખ્યપ્રેવશ દ્વાર પર સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને 100 ટન વે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો પરિણામલક્ષી નિર્ણય સરકારે કર્યો છે. ત્યારે કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઈઝના ગુડ્ઝ કેરિયર વાહન ઉપર સહાય આપવાની સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ફળ, શાકભાજીનું છૂટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપવા માટે તેમને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના પણ અમલમાં મુકવામાં આવી છે.
આ સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યમાં ખેડૂતોના હિતમાં ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવામાં આવે છે તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત ખેડૂત દીઠ વાર્ષિક રૂા.6 હજારની સહાય આપવામાં આવે છે. તેમ જણાવતા મહેસાણા જિલ્લાના કિસાનોને ટપક સિંચાઇ યોજનાનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
કોરોનને લઇને નાના વ્યવસાયકારોની મુશ્કેલી દૂર કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ રાજ્યભરમાં કરોડો રૂપિયાની લોન બે ટકાના વ્યાજ દરે આપવામાં આવી છે. આ યોજનામાં નાગરિકો વતી છ ટકા વ્યાજ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રૂ.40 .82 કરોડના ખર્ચે નિર્મિત રેલવે વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સહયોગથી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણથી ડાંગરવા રસ્તા પર નિર્મિત રેલવે ઓવબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ રેલવે ઓવરબ્રિજ બનવાથી ડાંગરવા અને ઝુલાસણ ગામના નાગરિકોને સીધો લાભ મળી રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ કડી કોટન માર્કેટયાર્ડ ખાતે કોટન ટેસ્ટિંગ લેબોરેટરી રૂમનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. ખેડૂત સંમેલનમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભાર્થીઓને લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ વીજળી પડવાને લીધે મૃત્યુ પામેલા પશુઓના માલિકને ચેક વડે સહાય આપવામાં આવી હતી.