- ઊંઝાના કામલી ગામે વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત
- ખેતરના શેઢા પડોશીએ તાર ફેન્સિંગમાં કરંટ પસાર કર્યો હોવાથી બની ઘટના
- ઊંઝા પોલીસ મથકે ખેતર માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો
મહેસાણાઃ જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા કામલી ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મોત નીપજ્યું હતું. કામલી ગામમાં રહેતા મનુ પટેલના ખેતરમાં કૃષિ પાકને ભૂંડ તથા અન્ય પ્રાણીઓથી નુકસાન ન થાય એ માટે તેમણે ખેતરમાં લગાવેલ લાઈટની ડીપીમાંથી વીજળી કનેકશન જોડાણ કરીને વીજ પ્રવાહ ચાલુ રાખ્યો હતો. આ દરમિયાનમાં ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યે ગામમાં રહેતા વિષ્ણુ પટેલ ખેતરમાં પાકમાં પીયત કરવા ગયાં હતા, એ દરમિયાન તેમનો પગ લપસી જતાં બાજુના ખેતરમાં લાગેલા વાયરને અડતા તેમનું મોત થયું હતું.
- ઊંઝા પોલીસે મનુ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મૃતક ખેડૂત વિષ્ણુભાઈ પોતાના ઘરેથી સવારે 6 વાગ્યે ખેતરમાં પીયત માટે નીકળ્યાં હતા ત્યારે પત્નીને કહ્યું હતું કે 9 વાગ્યે ખેતરે ચા લઈને આવજે. ત્યારબાદ તેમના પત્ની ખેતરે ચા આપવા ગયા હતા. આ દરમિયાન વિષ્ણુભાઈ ખેતરમાં નજરે ન પડતાં તેમણે ખેતરમાં વધુ તપાસ કરતા તેમણે પતિને ખેતરમાં મૃત હાલતમાં જોતાં ત્યાં જ ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ પોતાના પુત્રને ઘરેથી બોલાવી એમ્બ્યુલન્સ મારફતે ઊંઝા ખાતે મૃતકને લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબે વિષ્ણુભાઈનેે મૃત જાહેર કર્યા હતા.