- મહેસાણામાં શરૂ કરાયું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
- ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કરાયું લોકાર્પણ
- જિલ્લા પોલીસ વડાએ રિબીન કાપીને પ્રથમ નોંધ કરાઈ
મહેસાણા : જિલ્લામાં અત્યાર સુધી સાયબર ક્રાઈમની તપાસ જે તે વિસ્તારના પોલીસ મથકમાંથી થતી હતી. જોકે, આજે શુક્રવારે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ મથકનું રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઈ-લોકાર્પણ કરાયું હતું. જ્યારબાદ જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા તકતીનું અનાવરણ કરીને સ્ટેશન ડાયરીમાં પ્રથમ નોંધ કરી હતી.
છેલ્લા 6 મહિનામાં નોંધાયેલા 25 પૈકી 17 કેસ ઉકેલવાના બાકી
આ પોલીસ મથકના પ્રારંભે જ સાયબર ક્રાઈમના છેલ્લા 6 માસમાં બનેલા કુલ 25 કેસો પૈકી 8 કેસો ઉકેલીને સાયબર સેલે 5.88 લાખ રૂપિયા પરત અપાવ્યા હતા અને 49થી વધુ મોબાઈલ પરત અપાવ્યા છે. જ્યારે 17 ગુનાઓની તપાસ હાલમાં ચાલુ છે. આ પોલીસ મથકમાં 1 પી.આઇ., 2 પી.એસ.આઇ. અને અન્ય 20 પોલીસ કર્મીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.