- નૂતન મેડિકલ હૉસ્પિટલમાં કોવિડ-19 ટેસ્ટ લેબનું સાંસદના હસ્તે લોકાર્પણ
- કોવિડ ટેસ્ટિંગ લેબના શુભારંભ પ્રસંગે સરકારની ગાઈડલાઈનના લીરે-લીરા ઉડ્યા
- સાંસદ, પોલીસ ગાર્ડ અને કલેક્ટર હોવા છતાં સરકારની ગાઈડલાઈનનો ભંગ
મહેસાણા : વિસનગર શહેરમાં આરોગ્યલક્ષી સેવાનો સંચાર કરતી નૂતન જનરલ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર બાદ હવે સરકારની સાથે સાથે NABL અને ICMR દ્વારા ટેસ્ટિંગ માટે લેબની પરવાનગી અપાઈ છે. જેમાં ટેસ્ટિંગ માટે જરૂરી મેડિકલ સાધન સામગ્રી માટે જુદી-જુદી સંસ્થાઓનો સહયોગ લઈ આ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે જિલ્લા કલેક્ટર અને સાંસદ સહિત શહેરના અગ્રણીઓ અને તબીબોની ઉપસ્થિતિમાં લેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
એક તરફ સમગ્ર ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં માત્ર મહેસાણામાં વડનગર સરકારી મેડિકલ કોલેજ અને હવે વિસનગરની ખાનગી હોસ્પિટલને કોવિડ-19ના ટેસ્ટિંગ માટે નાયબ મુખ્યપ્રધાનની કૃપાથી પરવાનગી મળી છે. ત્યારે સવાલ એ પણ છે કે, નેતાઓ માત્ર એક જ જિલ્લામાં શા માટે બે-બે લેબો ફાળવી રહ્યા છે. તેમનું નિશાન ચૂંટણી ફંડ તો નથી ને..?
જો કે, મુદ્દાની વાત એ છે કે, સામાન્ય નાગરિકો કોરોના મામલે સરકારની ગાઈડ લાઈનનો ભંગ કરે તો દંડ ભરે છે. જ્યારે વિસનગરમાં પ્રારંભ કરાયેલા કોવિડ રેસ્ટિંગ લેબના લોકાર્પણમાં આયોજકોએ સરકારની ગાઈડ લાઇન ભૂલી કલેક્ટર અને સાંસદ સભ્યની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. અહીં કોવિડ ટેસ્ટની લેબમાં કેટલાક અંશે મોટાભાગના લોકોને પ્રવેશ નિષેધ હોય છે, તો લેબના લોકાર્પણ પ્રસંગે સરકારી બાબુઓની ઉપસ્થિતિમાં નિયમોની એસી તેસી કરવામાં આવી હતી. ત્યારે જોવાનું રહ્યું કે, હવે કલેક્ટર સાહેબ શું કાર્યવાહી કરશે.