- ગુજરાતમાં જોટાણા તાલુકો દેશી મરચા માટે છે ખ્યાતનામ
- જોટાણા તાલુકામાં થાય છે લીલા અને લાલ મરચાનું મબલખ ઉત્પાદન
- કાળી અને રાતી જમીન હોવાથી મરચાનું ઉત્પાદન સારું થાય છે
મહેસાણા: જિલ્લામાં આવેલા જોટાણા તાલુકામાં ઉત્પાદિત થતા લીલા લાલ મરચા સમગ્ર પંથક માટે ગૌરવ અપાવે છે. આ વિસ્તરમાં કાળી અને રાતી ફળદ્રુપ જમીન મરચાના છોડ માટે અનુકૂળ હોવાથી અહીં લાંબા ભરચક અને લાલ ચટ્ટાક દેશી મરચાનું ઉત્પાદન થાય છે.
પ્રતિદિન 900 મણથી વધુ મરચાની આવક, 750 થી 1000ના ભાવ મળી રહ્યા છે
ફેબ્રુઆરી માસમાં જોટાણા APMC ખાતે ખેડૂતો મોટા પ્રમાણમાં મરચાનો તૈયાર પાક લઈ વેચવા આવે છે. જેથી સમગ્ર APMCમાં ચારે તરફ લાલ મરચા જોવા મળે છે. અહીં ખેડૂતોને ચાલુ વર્ષે 750થી 1000 સુધી મરચાનાં ભાવ મળી રહ્યા છે. 900 મણ ઉપરાંત મરચાની આવક પ્રતિદિન નોંધાઇ રહી છે. આમ, હજારો ટન મરચા માત્ર જોટાણા તાલુકામાંથી ઉત્પન્ન થતા હોવાથી જોટાણાને મરચાના ઉત્પાદન માટેનું પીઠું માનવામાં આવે છે.
દેશ વિદેશમાં છે જોટાણાના આ દેશી મરચાની માંગ
જોટાણાનાં મરચાની સુવાસ અને સ્વાદ દેશ વિદેશમાં પથરાયેલો હોવાથી અહીં દૂર દૂરથી ગ્રાહકો આવીને પોતાની નજર સામે જ રસોઈના મસાલા માટે ઉપયોગી મરચું તૈયાર કરાવીને લઈ જાય છે. ગ્રાહકોના મત મુજબ, જોટાણા પંથકનું મરચુ દેખાવે અને સ્વાદે અન્ય મરચાની સરખામણી કરતા ચડિયાતુ રહ્યું છે. જેના કારણે જ તેની માંગ વધારે રહી છે. તો જોટાણામાં આ મરચાનો વ્યવસાય રોજના 500થી વધુ લોકોને રોજગારી પણ આપી રહ્યો છે.