મહેસાણા જિલ્લાના અંબાસણ ગામે બોર્ડર સિક્યોરિટી ફોર્સના (BSF) જવાનોના સંતાનો માટે કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે. અહીંના BSF-154 બટાલિયન કેમ્પ ખાતે કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે. જેનો શિલાન્યાસ રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો હતો. વિદ્યાલય બનાવવાનો અંદાજીત ખર્ચ રૂ. 35 લાખ જેટલો થશે. આ વિદ્યાલયમાં 15 રૂમ સહિત અભ્યાસ માટેની પ્રાથમિક સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.
મહેસાણા જિલ્લાના અંબાસણ ગામે BSF-154 બટાલીયનમાં દેશના જુદા જુદા રાજ્યમાંથી જવાનો ફરજ બજાવવા આવે છે, ત્યારે તેમના સંતાનોને પણ યોગ્ય શિક્ષણ મળી રહે તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા જવાનોના સંતાનો પોતાની રાષ્ટ્રીય ભાષા હિન્દી અને માતૃભાષા સાથે શિક્ષણ મેળવે તે માટે કેન્દ્રીય વિદ્યાલયનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે.