- રાજસ્થાનથી ગુજરાત લવાતું MD ડ્રગ્સ મહેસાણાથી ઝડપાયું
- રૂ.3.90 લાખની કિંમતનું હતું 39 ગ્રામ મેફડ્રોન ડ્રગ
- પોલીસે આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કર્યો જપ્ત
વિસનગર: મહેસાણા પાલનપુર સ્ટેટ હાઇવે પર રાજસ્થાનથી ગુજરાતમાં મેફડ્રોન ડ્રગ્સ લાવવામાં આવતો હોવાની બાતમી મળતા અમદાવાદ ATS અને મહેસાણા SOGની ટીમે વિસનગર તાલુકાના ભાંડું ગામે વોચ ગોઠવી હતી. ત્યારે એક નમ્બર પ્લેટ વિનાની સ્વીફ્ટ કાર રોકી હતી. જેમાંથી રાજસ્થનના રહેવાસી સુમિત પ્રવીણભાઈ ઠક્કર અને રવિ બાબુલાલ જોષી નામના બે વ્યક્તિઓની પૂછપરછ કરી કારમાં તપાસ કરતા 39 ગ્રામ જેટલો MD ડ્રગ્સ મળી આવ્યો હતો. જેને લઈ ATSની ટીમે બન્ને આરોપીની સ્થળ પરથી અટકાયત કરી 1ગ્રામ લેખે 10,000ની કિંમતનો 39 ગ્રામ MD ડ્રગ્સ અને એક કાર, ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
MD ડ્રગ્સ મામલે ઝડપાયેલા બન્ને શખ્સોની પૂછપરછમાં આ MD ડ્રગ્સ રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતો હોવાની હકીકત બહાર આવી છે. તો આ ડ્રગ્સ સોનાની કિંમત કરતા પણ ડબલ ગણો મોંઘો છે માટે ખાસ પ્રકારે પાર્ટીઓમાં ઉપયોગ કરાતો હોઈ વ્યસનિઓની શાનદાર પાર્ટીઓ માટે સપ્લાય કરવામાં આવતો હોય છે. ત્યારે વિસનગર તાલુકા પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ MD ડ્રગ્સનો કારોબાર ક્યાંથી અને કેવી રીતે કરાયો તેની વધુ તપાસ હાથ ધરી છે.