- પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત
- ગત વર્ષે પાટીદાર આંદોલનને પગલે ભાજપને થયુ હતું નુકસાન : રજની પટેલ
- આ વખતે ભાજપનો વિકાસ અને આયોજન તમામ બેઠકો પર અપાવશે વિજય
મહેસાણાઃ જિલ્લાને રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે. જોકે હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિતની સંસ્થામાં આવી રહી છે, ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલને ઉત્તર જોનના પ્રવક્તા અને પાટણ જિલ્લાના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ માઈક્રો પ્લાનિંગ કરશે
ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા રજની પટેલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જેતે મુદ્દાની સાથે સાથે માઈક્રો પ્લાનિંગ કરી જીતની બાજી ઉતરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ફોર્મ્યુલા મુજબ વોર્ડ અને બ્લોક પ્રમાણે જે પેજ પ્રમુખની નિમણૂક અને તેમની કામગીરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે મહત્વની ભૂમિકા ભજવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
ગત ટર્મની ચૂંટણીમાં પાટીદાર આંદોલનથી ભાજપને નુકસાન થયુ હતુ
મહત્વનું છે કે,મહેસાણા જિલ્લાને ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ અહીં પણ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર આંદોલને ભાજપના પ્રખર નેતાઓને પરસેવો છોડાવી દીધો હતો. ત્યારે આ વખતે હાલમાં કોઈ પ્રકારનો અવરોધ ન હોવાથી ભાજપ વિકાસની વાતો અને માઈક્રો પ્લાનિંગ સાથે મોટાભાગની બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતશે તેવો પણ આશાવાદ રજની પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.