મહેસાણાઃ જિલ્લાના વિસનગર તાલુકાને રાજ્યમાં ઘટતી ઘટનાઓ માટેનું AP સેન્ટર માનવામાં આવી રહ્યું છે. ત્યારે વિસનગરના સહકારી ક્ષેત્રને પણ રાજકારણ ભરખવા જઈ રહ્યું હોય તેમ વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ધારાસભ્યના ગ્રુપ દ્વારા નવીન મંડળીઓના રજીસ્ટ્રેશન અને જૂની મંડળીઓમાં ફંડ વધારો કરવાની અરજીઓ લઈ જતા ચેરમેન કે, મેનેજર હાજર ન હોઈ ક્લાર્કએ અરજી સ્વીકારવાનો ઇનકાર કરતા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો.
આ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં 30 વર્ષથી એક હથ્થુ શાસન ચાલતું હોવાનો અરજદારો દ્વારા કટાક્ષ રૂપ આક્ષેપ કરાયો હતો. જો કે, અરજદારોએ જિલ્લા રજીસ્ટરને ફરિયાદ કરી સરકારમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારતા અંતે આ સંઘના હિસાબી ક્લાર્કએ નવીન મંડળીઓની 31 અને ફંડ વધારા માટેની 14 મળી કુલ 45 અરજી સ્વીકારી હતી.
સામાન્ય રીતે સહકારી મંડળીઓ સમાજ અને ખેડૂતો સહિત શ્રમજીવીઓના વિકાસ માટે વિકાસવાયું હોય છે. વાસ્તવિકતાની જો વાત કરવામાં આવે તો રાજકારણ સહકારી ક્ષેત્રોને ભરખી રહ્યું છે. ત્યારે વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં એક સાથે 31 નવીન મંડળીના રજીસ્ટ્રેશન સામે કયું કાળું રાજકારણ રમાઈ રહ્યું છે, તે તો આવનાર સમય સ્પષ્ટ કરશે.