- બહુચરાજીના રાંતેજ ગામ પાસેથી ત્યજેલી બાળકી મળી આવી
- કોઈક વ્યક્તિ બાળકીને કાંટાની ઝાડીમાં મૂકી થયો ફરાર
- રાંતેજ સરપંચે અજાણ્યા શખ્સ સામે નોંધાવી પોલીસ ફરિયાદ
- બહુચરાજી પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી
મહેસાણાઃ જિલ્લામાં વધુ એક નવજાત બાળકી બેચરાજી તાલુકાના રાતેજ ગામની સીમમાંથી મળી આવી છે.
બેચરાજીના રાંતેજ ગામમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી
બેચરાજી તાલુકાના રાંતેજ ગામની સીમ વિસ્તરમાં આવેલા અલકેશ ઝાલાના ખેતરમાં કોઈ બાળક રડતું હોવાનો અવાજ આવતા જે સાંભળતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા, ત્યારે સ્થાનિક લોકોએ ગામના સરપંચને જાણ કરી તપાસ કરતા ખેતરમાં આવેલી કાંટાળી ઝાળીઓમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું, જેને સુરક્ષિત રીતે બહાર કાઢી 108ની મદદ લઈ બેચરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકની સ્થિતિ જોતા તે એક દિવસનું તાજું જન્મેલું અને બાળકી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કોઈ નિષ્ઠુર માનવીનું આ ગુનાહિત કૃત્ય બાળકને કાંટાળી ઝાલીઓમાં મૂકી જતા બાળકીના શરીરે ઇજાઓ પહોંચી હતી.
સમગ્ર ઘટનામાં અમાનવીય કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ સામે સ્થાનિક સરપંચે બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે બેચરાજી પોલીસે ઘટનાસ્થળ સહિત બાળકીની મુલાકાત લઈ ગુનાની મળતી વિગતો આધારે આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. મહત્ત્વનું છે કે, મહેસાણા જિલ્લામાં મહેસાણા, કડી અને બેચરાજી મળી કુલ 4 જેટલા નવજાત શિશુ ત્યજી દેવાયલી હાલતમાં મળી આવ્યા છે, પરંતુ ગુનામાં સામેલ આરોપીઓ પોલીસ પકડથી બહાર છે.