- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ
- ઊંઝા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ભાજપ-અપક્ષ વચ્ચે
- અપક્ષમાં કામદાર પેનલ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ભવ્ય રેલી કાઢવામાં આવી
મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે ઊંઝાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપ છે તો બીજી તરફ અપક્ષમાં કામદાર પેનલ છે. આ વખતે ભાજપ અને અપક્ષ સામ સામે છે. આમ આ વખતે પણ ઊંઝામાં ભાજપ સામે કોઈ રાજકીય પાર્ટી નહીં પરંતુ અપક્ષ સીધી ટક્કરમાં જોવા મળી છે.
વધુ એક વાર અપક્ષ કામદાર પેનલ સત્તા પર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
અપક્ષમાંથી કામદાર પેનલ દ્વારા પોતાના ઉમેદવારોને સાથે રાખી ઊંઝા શહેરમાં ભવ્ય રેલી કાઢવામાં આવી છે. ઊંઝામાં કામદાર પેનલનો દાવો છે કે, ગત ટર્મમાં જે પ્રજા લક્ષી કામો તેમને કર્યા છે. તેને જોતા ફરી એકવાર ઊંઝા નગરપાલિકામાં કામદાર પેનલ પર પ્રજા ભરોસો મુકશે અને વધુ એક વાર અપક્ષ કામદાર પેનલ સત્તા પર આવશે.
રેલીમાં લોકોનું ભવ્ય સમર્થન જોવા મળ્યું
ઊંઝામાં ભાજપ સામે અપક્ષનો સીધો જંગ છે ત્યારે કામદાર પેનલની આ રેલીમાં પણ લોકોનું ભવ્ય સમર્થન જોવા મળ્યું છે. ત્યારે ભાજપ દ્વારા કામદાર પેનલને તોડવા પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ ઉમેદવારો કરી રહ્યા છે, પરંતુ કામદાર પેનલ પોતાના જોશ અને હોશ સાથે ચૂંટણી જંગમાં મક્કમ જોવા મળી છે. આમ કદાચ રાજ્યમાં એક માત્ર ઊંઝામાં અપક્ષની એક મજબૂત પેનલ જોવા મળી છે.