- દૂધ સાગર ડેરીની ચૂંટણી જાહેરાત બાદ વિપુલ ચૌધરી ધરપકડ મામલો
- વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા સમર્થનમાં રેલીનું આયોજન કરાયું
- પોલીસ અને વિપુલ ચૌધરીના સમર્થકો વચ્ચે થઈ રકઝક
- 20 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી
મહેસાણાઃ મહેસાણામાં દૂધ સાગર ડેરીની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગણતરીના કલાકોમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને 22 કરોડના કૌભાંડ મામલે CID ક્રાઈમની ટીમે ધરપકડ કરી લીધી હતી. આ સાથે જ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જે કાર્યવાહી સામે રોષ ઠાલવતા વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા આજે મહેસાણા રામોસણા બ્રિજ પાસે આવેલ અર્બૂદા ધામથી વિપુલ ચૌધરીના સમર્થન માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી યોજીને સમર્થકો કલેક્ટરને આવેદનપત્ર આપવાના હતા.
વિપુલ ચૌધરીના સમર્થકોનું આયોજન અને પ્રતિક્રિયા
જોકે, રેલી યોજાય તે માટે તંત્ર પાસે કોઈ મંજૂરી માંગવામાં નથી આવી ત્યારે તંત્રને આ રેલી યોજવવાની ગંધ આવી જતા અધિક કલકેટર દ્વારા ખાસ જાહેરનામું પાડી ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ મથકો પર એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ કક્ષાના અધકારીને ફરજ સોંપવામાં આવી છે ત્યાં બીજી તરફ મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાની જાણ થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વહેલી સવારથી રેલી પ્રારંભના આયોજન સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમ જોતા એક તરફ તંત્ર દ્વારા રેલી મામલે કાયદો અને વ્યવસ્થા ન વણસે તેવી પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે વિપુલ ચૌધરીના સમર્થકોનું આયોજન અને પ્રતિક્રિયા શુ રહેશે તેના પર સૌ કોઈની નજર ટકી છે.