- કડીમાં તસ્કરોએ બેંકનું ATM તોડવા ગેસ કટર વાપર્યું, ધનરાશી બળીને ખાખ
- લાલ કપડું બાંધી ઓળખ છૂપાવી ગેસ કટરથી ATM કાપ્યું
- DVRમાં કેદ CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી
મહેસાણા : કડી પંથકમાં રાત્રિ તસ્કરીની ઘટના સામે આવી છે. જેમાં શહેરના છત્રાલ રોડ પર આવેલા પલ્સ પોઇન્ટ માર્કેટમાં ખાનગી બેંકના ATMને નિશાન બનાવી મોઢા પર કપડું બાંધી આવેલા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, તસ્કરોના આ પ્રયાસમાં ભારે મથામણ બાદ તેમના હાથે કઈ લાગ્યું ન હતું. ગેસ કટરથી મશીન કાપવાનો પ્રયાસ કર્યો હતો, તેથી મશીનમાં રહેલી ચલણી નોટો બળી ગઈ હોવાનો અહેવાલ સામે આવ્યો છે.
CCTV કેમેરા પર સ્પ્રે મારી વીડિયો બંધ કર્યો છતાં DVRમાં તસ્કરો કેદ
કડીમાં ખાનગી બેંકનું ATM મશીન તોડવા આવેલા તસ્કરોએ મોઢે કપડું બાંધી ATM સેન્ટરમાં લાગેલા CCTV કેમેરા પર સ્પ્રે છાંટી દીધો હતો. જો કે, તે પહેલાં આ તસ્કરો CCTV ચાલુ હોઈ DVRમાં કેપ્ચર થયા હતા, તો સ્પ્રે માર્યા બાદ તસ્કરોએ ATM મશીન તોડવા પ્રયત્ન કર્યો હતો. જેમાં ગેસકટરથી મશીન કાપવા જતા આગને કારણે મશીનમાં રહેલી ચલણી નોટો બળી ગઈ હતી. જેને લઈ તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં સવારે કડી પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ DVRમાં રહેલા CCTV ફૂટેજ આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ATM પર સિક્યુરિટી ગાર્ડ મૂકવા તંત્ર દ્વારા કરાઈ હતી માગ
ATM પર તસ્કરીની અનેક ઘટનાઓ સામે આવી છે, ત્યારે ATM પર સિક્યુરિટી ગાર્ડ મૂકવા તંત્ર દ્વારા જે તે બેંક એજન્સીઓને નિર્દેશ કર્યા છે. છતાં, અહીં આ ATM પર રાત્રે કોઈ ગાર્ડ ન મૂકવામાં આવતા શુક્રવારે ATMમાં તસ્કરો ઘૂસી જઈને ATM અને અંદર રહેલી ચલણી નોટો નુકસાન પહોચાડ્યું હતું. ત્યારે ATM સંચાલન કરતી એજન્સી અને CCTVમાં કેદ તસ્કરો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.