- મહેસાણાના સાંઈક્રિષ્ના કોવિડ સેન્ટરમાં આગ ભભૂકી ઉઠી
- તમામ 15 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા
- હોસ્પિટલના ચોથા માળે એસીમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી
- હોસ્પિટલમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનોથી આગને કાબુમાં લેવાઈ
- હોસ્પિટલ પાસે ફાયર NOC હોવાનું સંચાલકે જણાવ્યું
મહેસાણા : જિલ્લામાં કોરોના મહામારી સમયે સરકારી હોસ્પિટલ બાદ પ્રથમ સંસ્થાકીય હોસ્પિટલ તરીકે મહેસાણા રાધનપુર રોડ પર આવેલી સાંઈક્રિષ્ના હોસ્પિટલને સરકાર હસ્તક લઈ હંગામી ધોરણે કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં કોરોનાની પહેલી લહેર અને બીજી લહેર સમયે દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જોકે પહેલીવાર આ હોસ્પિટલમાં આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે. જેમાં હોસ્પિટલના ચોથા માળે લાગેલા એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું હતું. હોસ્પિટલમાં આગ લાગવાના મેસેજ પ્રસરતા દાખલ 15 જેટલા દર્દીઓ સહિતના લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. મહત્વનું છે કે, આ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું હોઈ અહીં પહેલેથી જ ફાયર NOC અને જરૂરી ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરાઈ હોવાથી હોસ્પિટલની ફાયર ટીમે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જેે બાદ મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે આવી નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો : અરવલ્લીના માલપુરમાં ફેકટરીમાં આગ
આગ સામાન્ય છતાં તકેદારીના ભાગ રૂપે દર્દીઓને અન્ય જગ્યાએ રીફર કરાયા : કોવિડ સેન્ટરના સંચાલક
સાંઈક્રિષ્ના હોસ્પિટલમાં એસીમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું અનુમાન છે. જેથી આગ લાગી હોય શકે છે. જોકે હોસ્પિટલમાં ફાયર NOC થકી ફાયર સેફટીના સાધનો હોવાથી એસીમાં લાગેલી સામાન્ય આગ તુરંત કાબુમાં આવી ગઈ હતી. જોકે આ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર હોવાથી માત્ર 15 દર્દીઓ જ દાખલ હતા અને જેમને જોખમ ન વર્તાય માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં એક પણ દર્દી આ હોસ્પિટલમાં દાખલ નથી.
આ પણ વાંચો : સુરતમાં ચાર જગ્યા પર શોર્ટ-સર્કિટના કારણે લાગી હતી આગ
સાંઈક્રિષ્ના હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બંધ થયું ?
હોસ્પિટલના ચોથા માળે એસીમાં સામન્ય આગને પગલે નીચેના માળે દાખલ 15 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા છે, ત્યારે હાલમાં એક પણ કોવિડના દર્દી આ હોસ્પિટલમાં દાખલ ન હોવાથી હવે આ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બંધ કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.