મહેસાણાઃ જિલ્લાના સતલાસણા ખાતે આવેલા ઉત્તર ગુજરાતના ખેડૂતોની જીવા દોરી સમાન ધરોઈ ડેમ ચાલુ વરસાદની સિઝનમાં પાણીની આવક થતા છલોછલ ભરાયો છે. જેથી ડેમની ભયજનક સપાટી વધી ન જાય તે માટે લેવલ જાળવવા ડેમમાંથી પાણીનો નિકાલ કરવા હાલમાં 11,000 ક્યૂસેક પાણીની આવક સામે 16,000 ક્યૂસેક પાણી સાબરમતી નદી અને કેનાલ દ્વારા છોડવામાં આવી રહ્યું છે. 13,800 ક્યૂસેક જેટલું પાણી નદીમાં છોડવા ડેમના 3 દરવાજા 1 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરવાજા પાણીની આવક પ્રમાણે ખોલવા અને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જો કે, હાલમાં નદી કાંઠે પર આ પાણીની જાવકથી કોઈ જોખમ છે નહીં પરંતુ આગામી સમયમાં ભારે આવક થાય તો કાંઠાના વિસ્તારો પર એલર્ટ માટે સંબંધિત અધિકારીઓને અગાઉથી જાણ કરી દેવામાં આવી છે.