- કડીના ડરણમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો હાથફેરો
- ઈન્ડસ્ટ્રીઝમાંથી 12 લાખની તસ્કરીને અંજામ
- ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ
મહેસાણાઃ કડીના ડરણ વિસ્તારમાં આવેલા જીનિંગ મિલો અને ઓઇલ મિલોને તસ્કરોએ બનાવ્યુ નિશાન. ગણતરીના દિવસોમાં 3 જગ્યાએ લાખોની ચોરી થતા ખળભળાટ મચ્યો છે. જેમાં રાત્રી દરમિયાન ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો ચોકીદાર અને સુપરવાઈઝરના ભરોસે રાત્રીની જવાબદારી મૂકી ઘરે જતા રહ્યા હતા. ત્યારે ચોકીદારને ચકમો આપી પાછળના ભાગેથી તસ્કરોએ ઓફિસની અંદર આવી ગયા હતા. અંદર આવી તિજોરી-કબાટ તોડી ત્રણે ઇન્ડસ્ટ્રીઝમાંથી કુલ 12 લાખથી વધુની રોકડની તસ્કરીને અંજામ આપ્યો છે.
ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ
વહેલી સવારે ફેકટરીમાં ચોરી થયાની જાણ થતાં સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. બાદમાં CCTV ફૂટેજ ચકાસણી કરતા તસ્કરો કેમેરામાં કેદ થયેલા નજરે પડ્યા હતા. જેમાં કડી વિસ્તારમાં અગાઉ પણ અનેક ચોરીને અંજામ આપી સક્રિય થયેલા ચડ્ડી બનીયાન ધારી ગેંગના શખ્સો જોવા મળ્યા હતા. CCTV ફુટેજમાં જોતા જ લાખોની તસ્કરીની સમગ્ર ઘટના વીડિયો ફુટેજમાં પુરાવા રૂપ સામે આવ્યા છે. ત્યારે પોલીસે ફરિયાદીની ફરિયાદ અને CCTV ફૂટેજ આધારે તપાસ કરતાં તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
તસ્કરો ઓફીસની તિજોરી તોડી રોકડની કરી ચોરી
કડી તાલુકાના ડરણ ગામની સીમમાં કલ્યાણપુરા રોડ પર આવેલી કોટન અને ઓઈલ મિલોમાં રાત્રીના સમયે ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. આ ગેંગે ત્રણ ઓફિસોનાં બારી- બારણાં તોડી તિજોરીમાંથી અંદાજે રૂ.12.45 લાખની મત્તાની ચોરી કરી હતી. બાવલુ પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધી હતી. તેમજ એફએસએલ કે ડૉગ સ્કવૉડ પણ નહીં ફરકતાં પોલીસની કામગીરી સામે સ્થાનિક ઉદ્યોગપતિમાં નરાજગી પ્રવર્તી છે.
બાવલુ પોલીસમાં નોંધાવી ફરિયાદ
રાત્રીના સમયે ઓફિસ બંધ કરી સંચાલકો ઘરે ગયા હતા. જે બાદ હરભોલે કોટન ઈન્ડસ્ટ્રીઝમાં ચોકીદાર ઓફિસ બહાર કંમ્પાઉન્ડમાં બેઠો હતો તેમજ સુપરવાઈઝર ઓફિસમાં સૂઈ ગયો હતો. તે અરસામાં પરોઢે 3ઃ30 વાગે બે ચોરોએ ઓફિસની પાછળની બારી તોડી અંદર ઘૂસ્યા હતા. તિજોરી તોડી અંદરથી અંદાજે રૂ.11 લાખની મત્તા ચોરી હતી. બાજુની હરિભોલે ઓઈલ મિલમાં પાંચ ચોરોએ ઓફિસનો દરવાજો તોડી કબાટ, ટેબલ તિજોરી ફંફોડી હતી. પરંતુ કંઈ હાથ ન લાગતાં નાની મોટી વસ્તુઓ લઈ ગયા હતા. હરિહર કોટન એન્ડ ઓઈલ મિલની ઓફિસનો મુખ્ય દરવાજો તોડી તિજોરીમાંથી રૂ. 2.70 લાખની મત્તા ચોરી જતાં સવારે ચોકીદારે ઈન્ડસ્ટ્રીઝના સુપરવાઈઝરને જાણ કરી હતી. રૂ.12.45 લાખની ચોરીના પગલે હરભોલે કોટન ઈન્ડસ્ટ્રીઝના સંદિપ પટેલે બાવલુ પોલીસના PSI ગોસ્વામીને રૂબરૂ મળી ચોરીની જાણ કરી હતી. બાદમાં પોલીસે ફરિયાદ લઈ રૂ.12.45 લાખની ચોરીનો ગુનો નોંધ્યો છે.