મહીસાગરઃ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ 1 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જંગલની જમીનમાં વ્યકિતગત-સામૂહિક સવા લાખ આદિવાસી બંધુઓને સરકારે જમીન ફાળવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સરથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવી શુભેચ્છા આપતા આત્મનિર્ભર બનવાની સાથે આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિ અને કલા વારસાના જતન અને સંવર્ધનની દિશામાં થયેલા પ્રયાસો આવકારદાયક બની રહેશે તેમ જણાવ્યું હતું.
રાજયના મહિલા અને બાળ કલ્યાણ રાજય પ્રધાન વિભાવરી દવેના અધ્યક્ષ સ્થાને આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવ સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ આપણી ઉજ્જવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા રાજ્ય સરકારના પ્રયાસોના ભાગરૂપે મહીસાગર જિલ્લાના સંતરામપુર આદિવાસી આર્ટસ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવણી સમારોહ યોજાયો હતો.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આ પર્વનો પ્રારંભ રાજય પ્રધાન વિભાવરી દવે સહિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોરે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પ્રધાન વિભાવરી દવેનું તલવાર, સાફો અને બંડી આપી પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.
વિભાવરી દવેએ વધુમાં સરકારે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સાથે વનબંધુ કલ્યાણ યોજના, પેસા એક્ટ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, સમરસ છાત્રાલય, આદિવાસી વિસ્તારમાં મેડીકલ કોલેજો, મેડીકલ સીટો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આઝાદીની લડતમાં મોટુ યોગદાન આપનારા આદિવાસી સમાજનું ભવ્ય રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાયબલ મ્યુઝિયમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, દુધ સંજીવની યોજના, માં અમૃત્તમ યોજનાઓનો અમલ કરી આદિવાસી સમાજ વધુ સંગઠીત બન ઉન્નતી પામે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસએ સિધ્ધાંતના ન્યાયે સર્વાંગી વિકાસ પામે અને રાજ્ય અને દેશના વિકાસમાં પોતાની ભૂમિકા અદા કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રધાન વિભાવરી દવે અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વન અધિકાર પત્રોનું વિતરણ અને વિવિધ યોજનાના આદિજાતિ લાભાર્થીઓને ચેક વિતરણ તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરે 63મો વન મહોત્સવ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માનગઢની ધરતી પર ઉજવવામાં આવ્યો હતો. માનગઢ ધામમાં વિવિધ વિકાસ કાર્યોની વણથંભી વણઝાર ચાલી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રરેક નેતૃત્વમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી આદિવાસી સમાજ શિક્ષિત બની સંગઠિત બનીને આગળ વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે મહીસાગર યોગ ગર્લ તરીકે જાણીતી બનેલી કાજલ રાવતે આર્ટીસ્ટિક યોગા કરી ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા. સરકારની આદિવાસી સમાજના વિકાસ માટેની યોજનાઓ પર ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેકટર આર. બી. બારડે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જ્યારે અંતમાં પ્રાયોજના વહીવટદાર જે. કે. જાદવે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા ખાંટ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા આર. પી. બારોટ, અગ્રણી જે. પી. પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન પ્રકાશ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન દશરથ બારીયા, સંત કમલગીરી મહારાજ સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.