મહીસાગર: હિન્દુ ધર્મમાં દિવાસોનું ખુબ જ મહત્વ હોય છે. એક કહેવત પ્રમાણે દિવાસો એટલે સૌ પર્વનો વાસો. દિવાસોથી માંડી દેવ દિવાળી સુધીના 100 દિવસોમાં 100 જેટલા પર્વ આવે છે અને દિવાસો શરૂ થતાં જ હિન્દુ સંસ્કૃતિના ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ જાય છે.
સૌપ્રથમ દશામાંનું વ્રત આવે છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં ભક્તિ ભાવથી દશામાંના વ્રતની ઉજવણી થતી હોય છે. દશામાંનું વ્રત અતિ કલ્યાણકારી, મંગલમય અને ઉપાધિમાંથી ઉગારનારું હોય છે. દિવાસાના દિવસે દશામાંની મૂર્તિની સ્થાપના કરી વ્રત કરનાર બહેનો 10 દિવસ ઉપવાસ કરી સવાર સાંજ દશામાંની પૂજા અર્ચના કરી ભક્તિ ભાવપૂર્વક આરાધના કરે છે.
આ પર્વમાં બહેનો દશામાંનું વ્રત પોતાની મનોકામના પૂર્ણ થાય અને તેના પરિવાર પર કોઈ મુશ્કેલી ન આવે તે માટે કરતી હોય છે. દસ દિવસ સુધી દશામાંની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ ભાવથી સવાર-સાંજ પૂજા અર્ચના કરે છે. દસ દિવસ સુધી સમગ્ર જિલ્લામાં ધાર્મિક માહોલ બની રહે છે. અગિયારમાં દિવસે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.