મહીસાગર: કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં લોકડાઉન 1થી 3માં આવશ્યક સેવાઓ સિવાય બીજી તમામ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જ્યારે લોકડાઉન-4માં સરકાર દ્વારા અર્થતંત્રને વેગ મળે તે માટે આંશિક છૂટછાટ આપી મોટાભાગની સેવાઓ શરૂ કરવામાં આવી હતી.
હવે લોકડાઉન-4 પૂર્ણ થતા સોમવારથી અનલોક-1નો પ્રારંભ થયો છે. જેમાં સરકાર દ્વારા મોટા ભાગની સેવાઓ શરૂ કરવામાં આવી છે. અનલોક-1 અંતર્ગત આજથી સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા શરૂ થઈ છે. મહીસાગર જિલ્લામાં એસટી તંત્ર દ્વારા સરકારની ગાઈડ લાઈન મુજબ બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે થર્મલ ટેમ્પરેચર સ્ક્રીનીંગ અને હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કર્યા બાદ પ્રવાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એસટી બસની સેવાના પગલે બસ સ્ટેશન વિસ્તારમાં પ્રવાસીઓની અવરજવર વધી છે. તેમજ બજારોમાં પણ ચહલપહલ વધતા જનજીવન ફરી એક વાર ધબકતું જોવા મળ્યું છે.