મહીસાગર: કોરોના વાઇરસ મહાસંકટની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીના સંખ્યા બંધ પગલાઓ લીધા છે. મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. રવિવારે જિલ્લાના સંતરામપુર અને વિરપુરમાં કોરોના પોઝિટિવ 1-1 કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં એક પછી એક વધારો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
સંતરામપુર શહેર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય યુનુસભાઈ શેખ તેમજ વિરપુરમાંથી 25 વર્ષીય શૈલેષ ઉદાભાઈ સોલંકી એમ કુલ બે દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોના સંક્રમિતની કુલ સંખ્યા 50 થઈ જવા પામી છે. સોમવારે કડાણા તાલુકાના 35 વર્ષીય અને 50 વર્ષના કોરોના સંક્રમિત દર્દી તેમજ લુણાવાડા તાલુકાના 21 વર્ષના કોરોના સંક્રમિત દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ પોતાના ઘરે પરત ફર્યા હતા.
રવિવારે સાંજના પાંચ કલાક સુધીમાં જિલ્લામાં કોરોનાના 50 કેસ પોઝિટિવ આવ્યા છે. તેમજ કુલ 39 કોરોના સંક્રમિત દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે એક વ્યક્તિનુ મૃત્યુ થયું છે. અત્યાર સુધી જિલ્લામાં સિઝનલ ફ્લૂ/કોરોનાના કુલ 1063 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 6180 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 6 દર્દીઓ હાલ બાલાસિનોર કે.એસ.પી. હોસ્પિટલ ખાતે, 2 દર્દીઓ ગોત્રી મેડીકલ કોલેજ ખાતે, 1 દર્દી વડોદરા ખાતેની ટ્રીકલર હોસ્પિટલ ખાતે, તેમજ 1દર્દી GMERC હોસ્પિટલ હિંમતનગર ખાતે સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી એક દર્દી ગોત્રી મેડીકલ કોલેજમાં વેન્ટીલેટર ઉપર છે. બાકીના 9 દર્દીઓ સામાન્ય હાલતમાં છે.