- મહીસાગરના લુણાવાડાની શાળામાં બાળકોના આરોગ્યની કરાઈ ચકાસણી
- ચકાસણી દરમિયાન 13 વર્ષીય દિલીપને મોતિયો હોવાનું સામે આવ્યું હતું
- આરબીએસકેની ટીમે દિલીપની નિઃશુલ્ક સારવાર કરાતા તકલીફ થઈ દૂર
લુણાવાડાઃ લુણાવાડાની શાળામાં બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. તે દરમિયાન 13 વર્ષીય દિલીપને આંખે મોતિયો હોવાનું જણાતા તેની નિઃશુલ્ક સારવાર કરાવવામાં આવી હતી. અમદાવાદ પોલિયો ફાઉન્ડેશન ખાતે તેનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જોકે, દિલીપના પરિવારને આ ખર્ચ પોષાય તે ન હતો. એટલે તેમણે આ ઓપરેશન બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
'શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો એટલે મારા દીકરાની સમસ્યા દૂર થઈ'
વિરપુર તાલુકાના પાંસરોડા ગામના પાટિયાના મુવાડા ફળિયાના ખેતી કરીને જીવન ગુજરાન ચલાવતા કાન્તિભાઈ ઝાલાના પરિવારમાં પુત્ર દિલીપનું જન્મ જાત આંખના મોતિયાનું ઓપરેશન નિઃશુલ્ક થતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી જોવા મળી છે. દિલીપની માતા કોકિલાબેન જણાવે છે કે, મારા દીકરાને જન્મજાત આંખના મોતિયો છે તેવુ જાણવા મળ્યુ ત્યારે અમને ઘણુંજ દુઃખ થયું તેને સારૂ કરવા અમને કયાંથી પૈસા મળશે અને મને કોણ સહાય કરશે એ જ વિચારમાત્રથી મારૂ હ્રદય કંપી ઊઠ્યું હતું.
આદર્શ વિદ્યાલયમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ
આવા કપરા સંજોગોમાં પાંસરોડા આદર્શ વિદ્યાલયમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો. જેમાં મારા દીકરાને આંખમાં ઓછું દેખાવવાની તકલીફ સામે આવી અને તપાસમાં જન્મજાત આંખના મોતિયો હોવાનું જણાતા RBSKના ડૉ. ભૂપેન્દ્ર ઝાલા અને તેમની ટીમ દ્વારા અમદાવાદ પોલિયો ફાઉન્ડેશન ખાતે 7 નવેમ્બર 2020ના રોજ દિલીપની આંખનું નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું અને તેની આ ખામી દૂર થઈ ગઈ.
'દીકરાની સારવાર માટે તમામનો આભાર'
દિલીપની માતાએ વધુમાં જણાવ્યું કે, મારા દીકરાની આંખમાં ઘણો જ સુધારો જોવા મળી રહ્યો છે તેમ જ RBSK ટીમ દ્વારા સમયાંતરે ગૃહ મુલાકાત કરવામાં આવી રહી છે. મારા દીકરાની સારવાર માટે હું તમામ લોકોનો આભાર માનું છું.