જિલ્લાના આંગણવાડી કાર્યકર્તાઓને સારી કામગીરી માટે અભિનંદન પાઠવતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ પ્રથમ સગર્ભાવસ્થા સમયે સગર્ભાને પોતાના રોજગાર ગુમાવ્યાની સામે આર્થિક વળતરના ભાગ રૂપે 5,000 રૂપિયાની સહાયની રકમ DBT મારફત આપવામાં આવે છે.
સગર્ભા પોતાના અને બાળકના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આ રકમ ઉપયોગમાં લઇ શકે છે. વર્ષ-2018-19માં કુલ 6,420 સગર્ભા લાભાર્થીઓને કુલ 3,21,00,000 રૂપિયાની રકમ સહાય પેટે ફાળવવામાં આવી છે. આ કામગીરીમાં વર્ષ 2018-19માં સમગ્ર રાજ્યમાં મહીસાગર જિલ્લાને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. તેમજ વર્ષ 2019-20માં કુલ 2,886 સગર્ભા લાભાર્થીઓને 97,000,00ની રકમ સહાય પેટે ફાળવવામાં આવી છે. તો હાલ રાજ્યમાં મહીસાગર જિલ્લાનો પ્રથમ ક્રમાંક જળવાઇ રહેલ છે. જે જિલ્લા માટે ગૌરવની બાબત છે.
તો આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનના શાબ્દિક સ્વાગત સાથે અને મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
તો આંગણવાડી કાર્યકરોને સાડી ગણવેશ, લાભાર્થીઓને પોષણ કીટ તેમજ મુખ્ય સેવિકાઓને ગ્રોથ મોનિટરીંગ રજીસ્ટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમારોહમાં ઉપસ્થિત સૌ કોઇએ કુપોષણ મુક્ત તંદુરસ્ત ભારતના નિર્માણ માટે સંકલ્પ લીધા હતા.
આ સમારોહમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન ગંગાબેન, સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં આંગણવાડી અને તેડાગર બહેનો ઉપસ્થિત રહી હતી.