મહીસાગર : મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં 2 યુવકો ડૂબી જવાની ઘટના બની છે. વીરપુર તાલુકાના ગંધારી નજીકથી પસાર થતી કેનાલમાં ડૂબ્યાના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી. કેનાલમાં ડૂબી જનાર બંને યુવકો વીરપુર તાલુકાના લીંબરવાડા ગામના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં લોકો દોડી આવ્યા હતા અને યુવકોની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં વિરપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી નહેરમાં પડેલ બંને છોકરાઓને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : ચાર યુવાનો નદીમાં નાહવા પડતા ડૂબ્યા, ગામમાં શોકની લાગણી ફરી વળી
ઘટનાની જાણ થતા પોલીસ અને મામલતદાર દોડી આવ્યા : મહિસાગર જિલ્લામાં પાણીમાં વ્યક્તિ ડૂબી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે શનિવારે વિરપુરના ગંધારી ગામ પાસે આવેલી સુજલામ સુફલામ કેનાલમાં બે યુવકો ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોને આ અંગેની જાણ થતા તેઓ તુરંત કેનાલ પાસે દોડી આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક તરવૈયાઓએ જરા પણ વાર ન કરતા પાણીમાં કુદીને યુવકોને બચાવવા મથામણ શરૂ કરી દીધી હતી. તેમજ સરકારી તંત્રને દોડી આવી હતી.
આ પણ વાંચો : સેલ્ફીના શોખીન માટે લાલબત્તી, ફોટો પાડવા જતા મોતને ભેટ્યો યુવાન
એક યુવક મળી આવ્યો : જોકે દરમિયાન સતત શોધખોળ કરતાં એક યુવક મળી આવ્યો હતો. જે યુવકને સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ આ ઉપરાંત અન્ય એક યુવકને પણ શોધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા વિરપુર મામલતદાર અને પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. જોકે હાલ આ લખાય છે ત્યાં સુધીની જાણકારી પ્રમાણે હજુ બીજા યુવકની કોઈ જાણકારી મળી આવી નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વલસાડની પાર નદીમાં ડૂબી જતાં બે વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજયા હતા. જ્યારે ચાર વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. ત્યારે હાલ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં બે યુવક ડૂબ્યાની જાણ થતાં લોકો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. પરતું એક યુવક મળી આવતા હાલ હાશકારો અનુભવી રહ્યા છે.